કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળના લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર લાખો ગરીબ પરિવારો પર પડશે. સરકારે હવે વર્ષ દરમિયાન મળતા સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. હવે લાભાર્થીઓને અગાઉ મળતા 9 સિલિન્ડરના બદલે વર્ષમાં માત્ર 4 સિલિન્ડર પર જ ₹300 ની સબસિડીનો લાભ મળશે. આ સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.


ફેરફાર પાછળનું મુખ્ય કારણ વાસ્તવિક વપરાશ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારીઓના મતે, આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ યોજનાના લાભાર્થી પરિવારોની વાસ્તવિક વપરાશની જરૂરિયાત છે. સરકારી ડેટા અને સર્વેક્ષણ મુજબ, ઉજ્જવલા યોજના હેઠળના મોટાભાગના પરિવારો વર્ષે સરેરાશ ચાર સિલિન્ડરનો જ ઉપયોગ કરે છે. વધુમાં, હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય કટોકટી અને કાચા તેલના પુરવઠામાં આવતા વિક્ષેપને ધ્યાનમાં રાખીને, ઘરેલુ સિલિન્ડરનો પુરવઠો સુનિશ્ચિત કરવાના હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે.

9 થી ઘટાડીને 4 કરવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મે 2016 માં શરૂ કરવામાં આવેલી આ મહત્વકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોને રસોઈ માટે સુરક્ષિત ઇંધણ પૂરું પાડવાનો હતો. શરૂઆતના તબક્કે, આ યોજના હેઠળ દર વર્ષે 12 સિલિન્ડર મળતા હતા, જે ત્યારબાદ ઘટાડીને 9 અને હવે 4 કરવામાં આવ્યા છે.

2023માં 200 થી વધારીને 300 કરાઇ સબસિડી

સબસિડીના માળખામાં પણ સમયાંતરે ફેરફારો કરવામાં આવ્યા છે. મે 2022 માં સરકારે પ્રતિ સિલિન્ડર ₹200 ની સબસિડી આપવાનું શરૂ કર્યું હતું, જે ઓક્ટોબર 2023 માં વધારીને ₹300 કરવામાં આવી હતી. તાજેતરના ભાવ વધારાને જોતા, 7 જૂન, 2026 થી દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ₹942 થઈ ગઈ છે. આ કિંમતમાં ₹300 ની સબસિડી બાદ કરતાં, ઉજ્જવલાના લાભાર્થીઓને હવે પ્રતિ સિલિન્ડર ₹642 ચૂકવવા પડશે.

સબસિડીનું વ્યવસ્થાપન વધુ સારૂં બનવાનો સરકારનો દાવો

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે તેલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં સતત વધારો કર્યો છે. ભલે સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો થયો હોય, પરંતુ સરકારનો દાવો છે કે આનાથી સબસિડીનું વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે. જે પરિવારોને વધારાના સિલિન્ડરની જરૂર હશે, તેમણે બજારના ભાવે જ ખરીદી કરવી પડશે. આ ફેરફાર અંગે લાભાર્થીઓમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે, કારણ કે વધતી મોંઘવારી વચ્ચે બજેટનું આયોજન કરવું તેમના માટે વધુ પડકારજનક બની શકે છે.

આ પણ વાંચોઃ ક્યુબામાં 6.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ફ્લોરિડા સુધી અનુભવાયા આંચકા

  • Follow us on: