સોમવારે પશ્ચિમ ક્યુબાની ધરતી 6.1 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રૂજી ઉઠી હતી. આ ભૂકંપનું કેન્દ્ર રાજધાની હવાનાની પશ્ચિમમાં માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકા એટલા તીવ્ર હતા કે હવાના શહેરની અનેક ઇમારતો હચમચી ગઈ હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, સદનસીબે આ કુદરતી આફતમાં કોઈ જાનહાનિ કે ગંભીર મિલકતને નુકસાન થયાના સમાચાર નથી.


ભૂકંપના આંચકા અનુભવાયા

ભૂકંપની અસર ક્યુબાની સરહદ પાર કરીને છેક અમેરિકાના ફ્લોરિડા રાજ્ય સુધી અનુભવાઈ હતી. મિયામી સ્થિત રાષ્ટ્રીય હવામાન સેવાએ પુષ્ટિ કરી હતી કે તેમને ફ્લોરિડાના દક્ષિણપશ્ચિમ ભાગમાંથી ભૂકંપના અનેક અહેવાલો મળ્યા હતા. લોકોએ અનુભવ્યું હતું કે ધરતી ધ્રૂજી રહી છે, જેનાથી નાગરિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભૂકંપ બાદ લોકો ભયના માર્યા રસ્તાઓ પર આવી ગયા હતા.

અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે ક્યુબા

ક્યુબાનો આ વિસ્તાર ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. ક્યુબાના દક્ષિણપૂર્વ કિનારા નજીક 'ઓરિએન્ટ ફોલ્ટ ઝોન' આવેલો છે, જે છેલ્લા કેટલાક દાયકાઓથી વિનાશક ભૂકંપોનું કેન્દ્ર રહ્યો છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ અનેક વાર ધરતીકંપના જોરદાર આંચકા આવી ચૂક્યા છે. ખાસ કરીને જાન્યુઆરી 2020 માં સમુદ્રમાં આવેલો 7.7 ની તીવ્રતાનો ભૂકંપ ઘણો વિનાશક રહ્યો હતો, જેના કારણે ક્યુબા અને કેમેન ટાપુઓમાં વ્યાપક નુકસાન થયું હતું.

વારંવાર આવેલા આંચકાને કારણે વૈજ્ઞાનિકો બન્યા સતર્ક

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વના વિવિધ દેશોમાં ભૂકંપની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. સોમવારના આ આંચકા પહેલા રવિવારે સાંજે ભૂટાનમાં અને સોમવારે સવારે ફિલિપાઇન્સમાં પણ ભૂકંપના જોરદાર આંચકા નોંધાયા હતા. કુદરતના આ વારંવારના રૌદ્ર સ્વરૂપને કારણે વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ સતર્ક બની ગયા છે. હાલ ક્યુબામાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ લોકો હજુ પણ આ આંચકાથી ડરેલા છે અને વહીવટીતંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ H-1B Visa ધારકો માટે ખુશખબર, H-1B વિઝાની ફી હવે નહીં વધે!

  • Follow us on: