ભારતના ઉડ્ડયન ઇતિહાસમાં 28 માર્ચ, 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૌતમ બુદ્ધ નગરના જેવર ખાતે નિર્મિત નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (NIA) ના પ્રથમ તબક્કાનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ દિલ્હી-NCRનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે, જે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના બોજને ઘટાડશે અને આ વિસ્તારને વૈશ્વિક એવિએશન હબ તરીકે સ્થાપિત કરશે.
₹11,200 કરોડના ખર્ચે PPP મોડેલ હેઠળ તૈયાર કરવામાં આવ્યું
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પીએમ મોદી સવારે 11:30 વાગ્યે ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કરશે અને બપોરે 12 વાગ્યે ફેઝ-I રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ ₹11,200 કરોડના ખર્ચે PPP મોડેલ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. શરૂઆતમાં તેની ક્ષમતા વાર્ષિક 1.2 કરોડ મુસાફરોની રહેશે, જે ભવિષ્યમાં વધીને 7 કરોડ સુધી પહોંચશે.
શું છે આધુનિક ILS સિસ્ટમ?
આ એરપોર્ટની સૌથી મોટી વિશેષતા તેની ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) છે. તે એક રેડિયો-સિગ્નલ આધારિત નેવિગેશન ટેકનોલોજી છે.જ્યારે અતિશય ધુમ્મસ, ભારે વરસાદ કે અંધકારને કારણે વિઝિબિલિટી (દૃશ્યતા) ઓછી હોય, ત્યારે આ સિસ્ટમ પાઈલટને સુરક્ષિત લેન્ડિંગ માટે સચોટ માર્ગદર્શન આપે છે.આમાં 'લોકલાઈઝર' (ડાબે-જમણે માર્ગદર્શન), 'ગ્લાઈડ સ્લોપ' (ઉપર-નીચેનું અંતર), અને 'એપ્રોચ લાઈટિંગ' જેવા સાધનો કામ કરે છે. તે વિમાનને રનવેની બરાબર મધ્યમાં ઉતારવામાં મદદ કરે છે.
એરપોર્ટની અન્ય ખાસિયતો
3,900 મીટરનો રનવે: આ રનવે એટલો વિશાળ છે કે તે દુનિયાના સૌથી મોટા વાઈડ-બોડી એરક્રાફ્ટને પણ સરળતાથી હેન્ડલ કરી શકશે.પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેને ઊર્જા-કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે.અદ્યતન એરફિલ્ડ લાઈટિંગને કારણે કોઈપણ હવામાનમાં અહીં વિમાનોની અવરજવર ચાલુ રહેશે.નિષ્ણાતોના મતે, આ એરપોર્ટ માત્ર મુસાફરી સરળ નહીં બનાવે, પરંતુ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ અને રોજગારીની નવી તકો પણ ઊભી કરશે.
