પશ્ચિમ કોલકાતાના તારાતલા વિસ્તારમાં બુધવારે અચાનક એક નિર્માણાધીન ગોડાઉનની છત તૂટી પડી હતી. આ દુ:ખદ ઘટના બાદ, ઘણા કામદારો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે, અને વહીવટીતંત્રે મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
વેરહાઉસની છત તૂટી પડતા શ્રમિકો દટાયા
પશ્ચિમ કોલકાતાના તારાતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રેસ બ્રિજ નજીક ટ્રાન્સપોર્ટ ડેપો રોડ પર નિર્માણાધીન એક વેરહાઉસની છત બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ અચાનક તૂટી પડી હતી. આ દરમિયાન સ્થળ પર કામ કરતા ઘણા શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ (DMG), સિવિલ ડિફેન્સ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી, અત્યાર સુધીમાં કાટમાળમાંથી ચાર લોકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા.
ઘટનાસ્થળે હાજર વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર તારાતલા વિસ્તારમાં બ્રેસ બ્રિજ નજીક ટ્રાન્સપોર્ટ ડેપો રોડ પર એક વેરહાઉસનું બાંધકામ ચાલી રહ્યું હતું. બુધવારે બપોરે, જ્યારે શ્રમિકો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા ત્યારે છતનો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. જેને કારણે સ્થળ પર ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.
સેના આવી મદદે
કોલકાતા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ, સિવિલ ડિફેન્સ અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમો બચાવ કામગીરીમાં સક્રિય રીતે રોકાયેલી છે. ભારતીય સેનાના જવાનો પણ રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. તૂટી પડેલા લોખંડના બીમ અને કાટમાળને દૂર કરવા માટે ભારે ક્રેન અને અન્ય મશીનરી તૈનાત કરવામાં આવી છે.
ઘણા કામદારો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા
અહેવાલો અનુસાર, કાટમાળ નીચે ફસાયેલા કામદારોની પીડાદાયક ચીસો હજુ પણ સંભળાય છે, જેના કારણે તેમના પ્રિયજનોને શોધી રહેલા લોકો હૃદયમાં ધ્રુજી ઉઠે છે. રાજ્ય સરકારે પરિસ્થિતિ પર નજર રાખવા માટે નબન્નામાં એક કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે.