ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા આજના જીવનનો ભાગ બની ગયા છે, પરંતુ આ ડિજિટલ દુનિયામાં છુપાયેલા કેટલાક ટ્રેન્ડ અને ચેલેન્જ જીવ માટે ખતરનાક સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને બાળકો અને કિશોરો એવી ઓનલાઈન ગેમ્સ અને ચેલેન્જનો સરળ શિકાર બની રહ્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઇન ચેલેન્જ

તાજેતરમાં ગાઝિયાબાદમાં ત્રણ બહેનો દ્વારા કરવામાં આવેલી આત્મહત્યાની ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન ચેલેન્જના જોખમને ચર્ચામાં લાવી દીધો છે. ભારત સિટી સોસાયટીમાં રહેતી આ ત્રણેય બહેનો એક બિલ્ડિંગના નવમા માળેથી કૂદીને મોતને ભેટી હતી. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ “કોરિયન લવર” નામની એક ઓનલાઈન ગેમ રમી રહ્યા હતી, જોકે પોલીસ હજુ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

પિતાને જાણ ન હતી કે તેમની દિકરીઓ ગેમ રમી રહી

મૃતક છોકરીઓના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને આ બાબતની કોઈ જાણ નહોતી કે તેમની દીકરીઓ આવી કોઈ ઓનલાઈન ગેમ રમી રહી છે. તેમણે કહ્યું હતું કે આ ગેમમાં કુલ 50 સ્ટેજ કાર્યો આપવામાં આવતા હતા અને તેમની 14 વર્ષની દીકરી આ ગેમમાં આગળ હતી. ધીમે ધીમે આ કાર્યો પૂર્ણ કરવાની પ્રક્રિયામાં ત્રણેય બહેનો માનસિક દબાણ હેઠળ આવી ગઈ હોવાનું માનવામાં આવે છે.

બ્લુ વ્હેલ ચેલેન્જ ગેમ

આ ઘટના નવી નથી. આ પહેલા પણ અનેક ઓનલાઈન ચેલેન્જ જીવલેણ સાબિત થઈ ચૂકી છે. સૌથી જાણીતી અને ભયાનક ચેલેન્જ તરીકે બ્લુ વ્હેલ ચેલેન્જનું નામ લેવાય છે. બ્લુ વ્હેલ કોઈ એપ નહોતી, પરંતુ એક ઓનલાઈન ચેલેન્જ ટ્રેન્ડ હતો, જેમાં ભાગ લેનારને 50 દિવસ સુધી અલગ અલગ કાર્યો આપવામાં આવતા હતા. શરૂઆતમાં આ કાર્યો સામાન્ય લાગતા હતા, પરંતુ પછી તેમાં પોતાને નુકસાન પહોંચાડવું, જોખમી કાર્યો અને અંતે આત્મહત્યા જેવા ખતરનાક કાર્યો સામેલ હતા. 2016 અને 2017 દરમિયાન ભારત સહિત અનેક દેશોમાં બ્લુ વ્હેલને કારણે આત્મહત્યાના અનેક કિસ્સાઓ નોંધાયા હતા.

2018માં કિકી ચેલેન્જ

2018માં કિકી ચેલેન્જ પણ ખૂબ વાયરલ થઈ હતી, જેમાં લોકો ચાલતી ગાડીમાંથી ઉતરીને નાચતા હતા. આ ટ્રેન્ડના કારણે અનેક લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા. તે જ વર્ષે મોમો ચેલેન્જ પણ સામે આવી હતી, જેમાં બાળકોને ડરાવીને સ્વ-નુકસાન માટે ઉશ્કેરવામાં આવતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

એપ સ્ટોર પર ઉપલબ્ધ

આવી ઓનલાઈન ચેલેન્જ સામાન્ય રીતે કોઈ એપ સ્ટોર પર ઉપલબ્ધ હોતી નથી. તે સોશિયલ મીડિયા, ખાનગી ગ્રુપ અથવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા ફેલાય છે. શરૂઆતમાં સરળ કાર્યો આપી વિશ્વાસ જીતવામાં આવે છે અને પછી ધીમે ધીમે માનસિક રીતે વ્યક્તિને કંટ્રોલ કરવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને કિશોરો “ટાસ્ક પૂર્ણ કરવો જ પડશે” એવા દબાણમાં આવી જાય છે.

માતા-પિતા અને સમાજ બંને માટે ચેતવણી

આવી ઘટનાઓ માતા-પિતા અને સમાજ બંને માટે ચેતવણી છે. બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિ પર નજર રાખવી, તેમની સાથે ખુલ્લી વાતચીત કરવી અને તેમને સમજાવવું ખૂબ જરૂરી છે કે કોઈ પણ ગેમ કે ઓનલાઈન ચેલેન્જ તેમના જીવનથી મોટી નથી. ડિજિટલ દુનિયા જેટલી આકર્ષક છે, એટલી જ જોખમી પણ બની શકે છે, જો સમયસર સાવચેત ન રહીએ તો.

આ પણ વાંચો : Korean lovers game : બે પત્નીઓ, પાંચ બાળકો અને ત્રણ બહેનોની આત્મહત્યા, ગાઝિયાબાદ કેસમાં ચોંકાવનારા ખુલાસા