ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ નાની બહેનોના આત્મહત્યા કેસે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ તપાસ દરમિયાન પરિવારની અંદરની પરિસ્થિતિ, બાળકોની માનસિક સ્થિતિ અને મોબાઇલ પર આધારિત પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

છોકરીઓના પિતાએ બે લગ્ન કર્યા હતા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરીઓના પિતાએ બે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીથી ઘણા વર્ષો સુધી કોઈ સંતાન નહોતું થયું. બાદમાં તેણે પોતાની ભાભી અથવા પ્રથમ પત્નીની નાની બહેન સાથે લગ્ન કર્યા. બીજા લગ્નથી તેને ત્રણ સંતાન થયા અને પછી અચાનક પ્રથમ પત્નીથી પણ બે બાળકો થયા. આમ, એક જ ઘરમાં બે પત્નીઓ અને પાંચ બાળકો સાથે રહેતા હતા.

ત્રણ બહેનોમાં બે બીજી પત્નીની દીકરીઓ

આત્મહત્યા કરનાર ત્રણ બહેનોમાં બે બીજી પત્નીની દીકરીઓ હતી અને એક પહેલી પત્નીની દીકરી હતી. આશ્ચર્યજનક રીતે, ત્રણેય અલગ માતાની દીકરીઓ હોવા છતાં ખૂબ જ ગાઢ સંબંધ હતા અને ખૂબ જ સારું બોન્ડિંગ હતું . તેઓ છેલ્લા બે વર્ષથી શાળાએ જતી નહોતી. પરિવારનો દાવો હતો કે તેઓ અભ્યાસમાં નબળી હતી, એટલે તેમને ઘરે રાખવામાં આવી હતી.

મોબાઇલ ફોન તેમની દુનિયા બની ગઇ

શાળા અને બહારની દુનિયાથી દૂર રહીને તેમની દુનિયા ધીમે ધીમે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા સુધી સીમિત થઈ ગઈ. તપાસ દરમિયાન પોલીસને એવી શંકા છે કે ત્રણેય કોઈ ટાસ્ક આધારિત પ્રવૃત્તિમાં સામેલ હતી, જેમાં કુલ 50 કાર્યો હોવાનું કહેવામાં આવે છે. ઘટના થયેલા દિવસે છેલ્લું કાર્ય પૂર્ણ થવાનું હતું.

વચલી બહેન આખી પ્રવૃત્તિની આગેવાન હતી

પોલીસનું માનવું છે કે વચલી બહેન સમગ્ર પ્રવૃત્તિની આગેવાન હતી. તે જ નક્કી કરતી કે શું કરવું, ક્યારે કરવું અને કેવી રીતે કરવું. બીજી બે બહેનો તેના સૂચનોનું પાલન કરતી. તેઓ સાથે જ ઊઠતી, ખાતી અને સમય વિતાવતી, જેનાથી એકબીજાથી અલગ થવાનો વિચાર જ સમાપ્ત થઈ ગયો હતો. ઘટના બાદ પિતા કેમેરા સામે બોલતા ટાળતા રહ્યા. તેમણે માત્ર એટલું કહ્યું કે તેમની દીકરીઓ કોરિયન ગેમ્સ અને કોરિયન કન્ટેન્ટ જોતી હતી. “કાલે છેલ્લુ ટાસ્ક હતું” એવું તેમને હવે ખબર પડી હોવાનો દાવો કર્યો.

તમામ બાળકોના મોબાઇલ ફોન જપ્ત

પોલીસે તમામ બાળકોના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. ડિજિટલ ફોરેન્સિક્સ ટીમ કોલ રેકોર્ડ, ચેટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, વીડિયો, એપ્સ અને સુસાઇડ નોટની તપાસ કરી રહી છે. સુસાઇડ નોટમાં કોઈ વ્યક્તિ કે પ્લેટફોર્મનું નામ નથી, પરંતુ કોરિયન સંસ્કૃતિનો ઉલ્લેખ છે.

દરેક જગ્યા પરથી ચાલુ છે તપાસ

DCPના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોઈ ચોક્કસ ગેમ અથવા સંગઠિત જૂથના પુરાવા મળ્યા નથી. પરિવારની અંદરની પરિસ્થિતિ, મોબાઇલ પ્રતિબંધ અને બાળકો પર પડેલા માનસિક દબાણ – દરેક ખૂણેથી તપાસ ચાલુ છે. સાચું કારણ શું હતું, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Korean Lovers game : બ્લૂ વ્હેલ પછી હવે “કોરિયન લવર્સ”? ગાઝિયાબાદની દુઃખદ ઘટના