કેરળના કોઝિકોડમાં કથિત કોર્પોરેટ ફ્રોડ અને લાંચના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDની કોચી ઝોનની ટીમે 18 ઓગસ્ટે PMLA હેઠળ કોઝિકોડમાં 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) સાથે જોડાયેલી કથિત નાણાકીય ગેરરીતિઓ અને લાંચની ચુકવણીના આરોપોને લઈને ચાલી રહી છે.
182 કરોડના કથિત ખોટા રોકડ ખર્ચ દર્શાવ્યા
EDએ આ કેસમાં તપાસ સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ની તપાસના આધારે શરૂ કરી હતી. SFIOએ 3 એપ્રિલ 2025ના રોજ કથિત કોર્પોરેટ ફ્રોડ મામલે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી. તપાસમાં આરોપ છે કે CMRLએ આશરે 15 વર્ષ દરમિયાન લગભગ ₹182 કરોડના કથિત ખોટા રોકડ ખર્ચ દર્શાવ્યા હતા અને આ નાણાંનો ઉપયોગ વિવિધ લોકોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો.
₹2.78 કરોડની કથિત ચુકવણી
EDના જણાવ્યા અનુસાર, CMRL તરફથી વીણાની કંપની એક્સાલૉજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડને IT કન્સલ્ટન્સી સર્વિસના નામે આશરે ₹2.78 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જોકે, એજન્સીનો આરોપ છે કે કંપનીએ તેના બદલામાં વાસ્તવિક સેવાઓ પૂરી પાડી નહોતી. આ ઉપરાંત CMRLના MD એસ.એન. શશિધરન કાર્થા સાથે જોડાયેલી કંપનીએ પણ એક્સાલૉજિકને આશરે ₹50 લાખની લોન આપી હોવાનો EDનો દાવો છે.
અગાઉની તપાસમાં મળ્યા હતા હસ્તલેખિત હિસાબ
EDએ 27 મે 2026ના રોજ પણ વીણા અને CMRLના પ્રમોટરો સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ કર્યું હતું. તે દરમિયાન હસ્તલેખિત હિસાબ-કિતાબ મળી આવ્યા હતા, જેમાં નાણાકીય લેવડદેવડની વિગતો નોંધાયેલી હતી. 18 ઓગસ્ટની કાર્યવાહી દરમિયાન EDએ અનેક ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા અને સંબંધિત લોકોના નિવેદન નોંધ્યા. એજન્સીનો દાવો છે કે તેને કથિત હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર કરવાના પુરાવા પણ મળ્યા છે. હવે ED જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાના આધારે આગળની તપાસ કરશે.
આ પણ વાંચો : Chinaની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારત-જાપાનની મહત્વપૂર્ણ બેઠક, દરિયાઈ સુરક્ષા પર થશે ચર્ચા