લેહ એરફોર્સ સ્ટેશન પર ગુરુવારે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES)એ માત્ર 21 મહિનામાં સમાંતર રનવેનું બાંધકામ પૂર્ણ કર્યું છે. 1960ના દાયકામાં એક સરળ હવાઈ પટ્ટી રહેલા લેહ એરફિલ્ડને હવે બે રનવે સાથે આધુનિક એરબેઝમાં બદલી દેવામાં આવ્યો છે.
નિર્માણ કાર્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવ્યું હતું
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આજે આ નવા રનવેનું ઉદ્ઘાટન કર્યું છે. આશરે રૂપિયા 452 કરોડના ખર્ચે પૂર્ણ થયેલો આ પ્રોજેક્ટ 2023માં શરૂ થયો હતો. તેમાં રનવે, ટેક્સી ટ્રેક અને વિમાન ડિસ્પર્સલ એરિયા પણ બનાવવામાં આવ્યા છે. આ નિર્માણ કાર્ય અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયો
ઊંચાઈવાળો વિસ્તાર, શૂન્યથી નીચે તાપમાન અને ઓક્સિજનનું સ્તર ઓછું હોવા છતાં MES એન્જિનિયરોએ રેકોર્ડ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. નવો રનવે ભારતીય વાયુસેના માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સરહદોની નજીક તેનું સ્થાન જોતાં તે ભારે લશ્કરી વિમાનોની હિલચાલ અને કામગીરીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે.
ભારતના એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક
જે તસવીરો સામે આવી છે તેમાં બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે નવા રનવે પર C-130J સુપર હર્ક્યુલસ વિમાન ટેક્સી કરતું જોઈ શકાય છે, જે આ પડકારજનક વિસ્તારમાં ભારતની એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક છે. MES, ભારતીય વાયુસેના અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે ઉત્તમ સંકલન દ્વારા પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટને દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.
આ પણ વાંચો : India Israel Visit: પ્રાદેશિક તણાવ અને પાકિસ્તાન પર હમાસને સમર્થન આપવાના આરોપો વચ્ચે ભારત અને ઇઝરાયલ યોજશે બેઠક, જાણો કેમ વધી છે હલચલ?