ગુજરાતીઓ ફરવા અને ખાવાના ખૂબ જ શોખીન હોય છે. રજાઓ પડી નથી કે તેઓ ફેમિલી કે પછી ફ્રેન્ડ્સની સાથે ફરવા ઉપડી જાય. હાલ મનાલીમાં ભારે બરફ વર્ષાને કારણે ત્યાંનો નજારો જન્નતથી ઓછો નથી. લોકો એ સ્થળ તરફ ખૂબ જ વળ્યા છે. અનેક ગુજરાતીઓ મનાલી ફરવા ગયા છે. પરંતુ જો તમે પણ જવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર પહેલાં વાંચી લેજો.

કુદરતનું અદભુત પણ જોખમી સ્વરૂપ જોવા મળ્યું

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન મનાલીમાં હાલ કુદરતનું અદભુત પણ જોખમી સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી મનાલી અને આસપાસના વિસ્તારોમાં થઈ રહેલી ભારે બરફવર્ષાને કારણે પ્રવાસન પર મોટી અસર પડી છે. બરફની જાડી પરત જામી જવાને કારણે મુખ્ય હાઈવે બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.16 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો

ખાસ કરીને શિયાળાની મજા માણવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓ માટે અત્યારે સાવધ રહેવાની જરૂર છે. મનાલી જઈ રહેલા અને ત્યાંથી પરત ફરી રહેલા સેંકડો લોકો છેલ્લા કેટલાય કલાકોથી રસ્તા પરના ભયાનક ટ્રાફિક જામમાં ફસાયેલા છે. રસ્તાઓ પર બરફ હોવાને કારણે વાહનો સ્લિપ થવાની ઘટનાઓ પણ બની રહી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે.

વહીવટી તંત્રની સૂચના

જો તમે આગામી દિવસોમાં ગુજરાતથી મનાલી ફરવા જવાનું વિચારી રહ્યા હોવ, તો અત્યારે થોભી જવું હિતાવહ છે. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ સતત પડી રહેલી હિમવર્ષાને કારણે રસ્તાઓ સાફ કરવામાં મુશ્કેલી પડી રહી છે. પ્રવાસીઓ પાસે ખાવા-પીવાની સામગ્રી ખૂટી રહી હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે.

પ્રવાસીઓને સલાહ આપવામાં આવી

પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી હવામાન વિભાગ દ્વારા લીલી ઝંડી ન આપવામાં આવે ત્યાં સુધી પહાડી વિસ્તારો તરફ પ્રયાણ ન કરવું. જે લોકો ઓલરેડી ત્યાં છે તેઓને સુરક્ષિત સ્થળોએ રોકાઈ રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી 12.50 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત,4 લોકોની કરાઇ ધરપકડ