ભારતીય રેલવેએ ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવા માટે પોતાના નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે મુસાફરો દ્વારા કરવામાં આવતી નાની બેદરકારી પણ ભારે મોંઘી સાબિત થઈ શકે છે. રેલવે પરિસરમાં કચરો ફેંકવા, થૂંકવા કે ગંદકી ફેલાવવા બદલ સ્થળ પર જ ભારે દંડ વસૂલવામાં આવશે.
દેડની રકમ બમણી થઇ
સરકારે "રેલવે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ સુધારા નિયમો, 2026" ને સૂચિત કર્યા છે. આ નવા નિયમો હેઠળ, રેલવે સ્ટેશન અથવા ટ્રેનના ડબ્બામાં કચરો ફેંકવા કે થૂંકવા પર અપાતો મહત્તમ દંડ ₹૫૦૦ થી વધારીને બમણો એટલે કે ₹1,000 કરી દેવામાં આવ્યો છે. જો કોઈ મુસાફર સ્થળ પર દંડ ભરવાનો ઇનકાર કરે છે, તો મામલો મેજિસ્ટ્રેટ સમક્ષ જઈ શકે છે, જ્યાં કોર્ટ દ્વારા ₹2,000 સુધીનો દંડ અને દંડ ન ભરવા પર જેલની સજા પણ થઈ શકે છે.
કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે?
રેલવે દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ નીચેની બાબતો પર સખત પ્રતિબંધ છે:
થૂંકવું અને કચરો ફેંકવો: પ્લેટફોર્મ, ટ્રેનના શૌચાલય, સિંક, બારીઓ કે ડબ્બાઓમાં ગુટખા-પાન ખાઈને થૂંકવું અથવા પ્લાસ્ટિકની બોટલો, ફૂડ પેકેટ તથા ચાના કપ ગમે ત્યાં ફેંકવા.
જાહેર અસુવિધા: પરવાનગી વગર સ્ટેશન પર પોસ્ટર ચોંટાડવા, દારૂ કે ડ્રગ્સનું સેવન કરવું અને અન્ય સાથી મુસાફરોને અસુવિધા પહોંચાડવી.
સ્ટેશન પરના અધિકૃત વેપારીઓ અને ફેરિયાઓએ પણ કચરાના યોગ્ય નિકાલ માટે ડસ્ટબિન રાખવું ફરજિયાત છે.
દંડ વસૂલવાનો અધિકાર કોની પાસે છે?
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી સ્થળ પર દંડ વસૂલવાની સત્તા સ્ટેશન માસ્ટર, સ્ટેશન મેનેજર, વાણિજ્યિક વિભાગના ટિકિટ કલેક્ટર (TC) અને રેલવેના અન્ય અધિકૃત વિશેષ અધિકારીઓને આપવામાં આવી છે.
મુસાફરો માટે ઉપયોગી સલાહ
આ કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે મુસાફરોએ હંમેશાં ડસ્ટબિનનો જ ઉપયોગ કરવો જોઈએ અને પોતાની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. જો કોચમાં ગંદકી હોય તો દલીલ કરવાને બદલે 'રેલ મદદ એપ' અથવા ૧૩૯ (139) પર કૉલ કરીને સફાઈ કર્મચારીઓની મદદ લઈ શકાય છે. જવાબદાર પ્રવાસી બનીને રેલવેની સંપત્તિ અને સ્વચ્છતા જાળવવી આપણા સૌની ફરજ છે.
આ પણ વાંચોઃ Nepal Flood: કાળું થઇ રહ્યુ છે તળાવનું પાણી, નેપાળ પર મંડરાઇ રહ્યો છે વધુ એક ખતરો!