યુપીના ફિરોઝાબાદમાં બે પુખ્ત યુવતીઓએ એકબીજા સાથે રહેવાની અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પરિવારના સમજાવટના પ્રયાસો નિષ્ફળ રહેતાં બંને પરિવારો વચ્ચે વિવાદ થયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
બંને યુવતીઓ લાંબા સમયથી એકબીજાની મિત્ર
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં બે યુવતીઓના સંબંધને લઈને પરિવાર અને પોલીસ વચ્ચે અસામાન્ય સ્થિતિ સર્જાઈ છે. શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની બંને યુવતીઓ લાંબા સમયથી એકબીજાની મિત્ર છે. સમય જતાં તેમની મિત્રતા પ્રેમસંબંધમાં બદલાઈ હોવાનું જણાવાયું છે. હવે બંનેએ એકબીજા સાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો છે અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
લગ્નની વાત સામે આવતાં પરિવારમાં વિવાદ
મળતી માહિતી મુજબ, એક યુવતીના પરિવારજનોએ તેના માટે લગ્નનું માગું શોધવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવતીએ પરિવાર સમક્ષ ઘરની સામે રહેતી યુવતી સાથે જ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. યુવતીની આ વાત સાંભળીને પરિવારજનો આશ્ચર્યમાં મુકાયા હતા.
બંને યુવતીઓ પોતાના નિર્ણય પર અડગ રહી
પરિવારજનોએ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને યુવતીઓ પોતાના નિર્ણય પર અડગ રહી હતી. ત્યારબાદ બંને પરિવારો વચ્ચે બોલાચાલી અને વિવાદ શરૂ થયો હતો. એકબીજાને પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
પોલીસ સ્ટેશનમાં પણ સમજાવટના પ્રયાસો
વિવાદની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ત્યાં જ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સ્થિતિ કાબૂમાં ન આવતાં બંને યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
પરિવાર સાથે ઘરે જવાની ના પાડી
પોલીસ સ્ટેશનમાં પણ પરિવારજનોએ તેમને ઘરે પરત ફરવા સમજાવ્યાં હતાં. એક યુવતીના પિતા, માતા અને ભાભીએ કલાકો સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં બંને યુવતીઓએ એકબીજા વગર રહી શકશે નહીં તેમ જણાવી પરિવાર સાથે ઘરે જવાની ના પાડી હતી.
બંને યુવતીઓ પુખ્ત, કોર્ટના આદેશ બાદ આગળની કાર્યવાહી
યુવતીઓની ભાભીએ પણ આ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ, પોલીસ સ્ટેશનમાં બંને પરિવારો વચ્ચે ફરીથી બોલાચાલી થતાં પોલીસે પરિવારજનોને બહાર મોકલી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને યુવતીઓ પુખ્ત વયની છે અને એકસાથે રહેવા ઇચ્છે છે. કાયદેસરની કાર્યવાહી હેઠળ બંનેને તેમની ઇચ્છા મુજબ કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કોર્ટના આદેશ બાદ આગળની કાર્યવાહી થશે. જો બંને પરિવાર સાથે રહેવા ઇચ્છતી ન હોય તો તેમને નારી ગૃહ મોકલવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત