લખનઉના ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરુવારે એક મોટો અકસ્માત ટળી ગયો, જ્યારે રનવે પર અચાનક એક કપિરાજ આવી ગયો હતો. આ દરમિયાન ઈન્ડિગો ફ્લાઈટના પાયલોટે સમયસૂચકતા બતાવતા ઈમરજન્સી બ્રેક લગાવી, જેના કારણે વિમાનમાં સવાર 132થી વધુ મુસાફરોનો જીવ બચી ગયો.
પાયલોટે તરત જ બ્રેક લગાવીને વિમાનને રોકી લીધું
મળતી માહિતી અનુસાર, સવારે લગભગ 8:55 વાગ્યે ફ્લાઈટ (6E-6521) રાયપુર માટે ટેકઓફ માટે રનવે પર ઝડપ પકડી રહી હતી ત્યારે અચાનક એક કપિરાજ રનવે પર આવી ગયો. પાયલોટે તરત જ બ્રેક લગાવીને વિમાનને રોકી લીધું, જેના કારણે સંભવિત મોટો અકસ્માત ટળી ગયો. આ ઘટનાથી એરપોર્ટ પર થોડો સમય અફરાતફરી મચી ગઈ હતી અને મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સ પણ ડરી ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ તરત જ વાંદરાને રનવે પરથી દૂર કર્યો, પરંતુ તે લગભગ એક કલાક સુધી આસપાસ ફરતો રહ્યો.
