લખનઉમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર ઉત્તર પ્રદેશને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ની મુલાકાત લીધી અને ઘાયલો તેમજ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી.


જવાબદાર કોઈપણ અધિકારી અથવા વ્યક્તિને છોડવામાં આવશે નહીં: CM

મુખ્યમંત્રી સાથે ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ હાજર રહ્યા હતા. હોસ્પિટલમાં પીડિતો અને તેમના પરિવારજનોને મળ્યા બાદ યોગી આદિત્યનાથે ખાતરી આપી કે આ ઘટનામાં જવાબદાર કોઈપણ અધિકારી અથવા વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને દરેક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આગકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹5 લાખની આર્થિક સહાય અને ઘાયલોને ₹50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

CMએ પોતાનો પ્રવાસ અધવચ્ચે જ રદ કરી દીધો

આ ઘટનાની જાણ થતાં જ યોગી આદિત્યનાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો પોતાનો પ્રવાસ અધવચ્ચે જ રદ કરી દીધો હતો. તેઓ અલીગઢમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા, પરંતુ આગની દુર્ઘટનાના સમાચાર મળતાં જ તરત લખનઉ પરત ફરવાનો નિર્ણય લીધો હતો. અલીગઢમાં જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે લખનઉમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કેટલાક બાળકો સહિત અનેક લોકો પ્રભાવિત થયા છે અને કેટલાકના મૃત્યુ થયા છે. તેથી તેઓ તરત જ રાજધાની પરત ફરી રહ્યા છે.

ઉચ્ચ અધિકારીઓને આપ્યા આ નિર્દેશ 

મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ઘટનાની વિગતવાર તપાસ કરવા તેમજ ઘાયલોને સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ ડીજીપી અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર જઈ સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા કહ્યું છે. યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર પણ શોક વ્યક્ત કરતાં મૃતકોની આત્માને શાંતિ અને ઘાયલોને જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા ધોરણોની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : West Bengal : બળવાખોર ધારાસભ્યોએ TMCની કમાન સંભાળી, મમતા બેનર્જીને અધ્યક્ષ પદથી હટાવ્યા


  • Follow us on: