પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલી આંતરિક રાજકીય ખેંચતાણ હવે વધુ તેજ બની છે. ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર ધારાસભ્યોના સંગઠને મોટો દાવો કર્યો છે કે તેમણે પાર્ટી પર કબજો કરી લીધો છે અને નવા સંગઠનાત્મક ફેરફારો પણ જાહેર કર્યા છે.
અરૂપ રોયને નવા ચેરમેન બનાવવામાં આવ્યા
બળવાખોર ધારાસભ્યોના સંગઠન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, મમતા બેનર્જીને પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવવામાં આવ્યા છે અને અભિષેક બેનર્જીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ધારાસભ્ય અરુપ રોયને નવા ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
બળવાખોર TMC માટે એક મોટો રાજકીય દાવો
આ સમગ્ર ઘટનાક્રમને બળવાખોર TMC માટે એક મોટો રાજકીય દાવો માનવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ પાર્ટીની નેતૃત્વ રચનાને સંપૂર્ણપણે બદલવાનો સંકેત આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બળવાખોર ધારાસભ્યોના સંગઠન પાસે આશરે 60 ધારાસભ્યો અને 70થી વધુ નગરપાલિકા સભ્યોનું સમર્થન છે, જેના આધારે તેઓ સંગઠન પર કાબૂનો દાવો કરી રહ્યા છે.
ઋતબ્રત બેનર્જી કરશે આગેવાની
ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળ ન્યુટાઉનમાં બાગી કાઉન્સિલરોની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આવનારા સમયમાં કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકીય હલચલ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ વિધાનસભામાં પણ બળવાખોર ધારાસભ્યોના સંગઠન દ્વારા સહી સંબંધિત વિવાદ ઉભો થયો હતો, જેમાં કેટલાક ધારાસભ્યોએ સહી ન કરવા અને ખોટી સહીના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ મામલો સ્પીકર સુધી પહોંચ્યો હતો.
ધીમે ધીમે અનેક ધારાસભ્યો ઋતબ્રત બેનર્જીના સમર્થનમાં આવ્યા અને પછી વિપક્ષ નેતા પદને લઈને પણ વિવાદ ઊભો થયો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ અંતે ઋતબ્રત બેનર્જીના પક્ષમાં નિર્ણય આવ્યો હતો. આ નવી ઘટનાથી પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરીથી મોટો ભૂકંપ આવ્યો છે.
આ પણ વાંચો : Lucknow Gaming Zone Fire: ગેમિંગ ઝોનમાં કેમ આટલી ઝડપથી લાગે છે આગ, શું છે કારણ?, જાણો