મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં એક ભયાનક બસ અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા છે. કુઠલા પોલીસ સ્ટેશન વિસ્તારના વિજયરાઘવગઢ મોડ પાસે મુસાફરોથી ભરેલી બસ અચાનક બેકાબૂ થઈને પલટી ગઈ હતી.
ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ
મળતી માહિતી મુજબ, લમતરા ફાટક નજીક હાઈવા ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર બાદ બસ નિયંત્રણ ગુમાવીને રસ્તા પર જ પલટી ગઈ. અકસ્માત સમયે બસ કટનીથી વિજયરાઘવગઢ તરફ જઈ રહી હતી. બસ ‘ગુપ્તા બસ સર્વિસ’ની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.













