નક્સલવાદનો આતંક હવે દેશમાંથી ધીરે ધીરે નામશેષ થઈ રહ્યો છે. છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત વિસ્તાર હજૂ પણ છે. આ વચ્ચે નક્સલવાદના અંતનો સમય શરૂ થઈ ગયો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢમાં બે દાયકાથી આતંકનો પર્યાય બનેલા ટોચના નક્સલવાદી કમાન્ડર માદવી હિડમાને એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે. આધ્ર પ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર આવેલા જંગલમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં હિડમા અને તેની પત્નીને ઠાક તકવામાં આવ્યા હતા.
હિડમા માદવીનું નામ લેતા જ છત્તીસગઢના લોકો થરથર કાંપતા હતા. દરભા ખીણ નરસંહાર હોય કે સુકમામાં જવાનો પર હુમલા હોય આ ઘટનાનો ખૌફ અને પીડા લોકો આજે પણ ભૂલી શક્યા નથી.
કોણ છે હિડમા માદવી?
બસ્તરના જંગલોમાં ફેલાયેલા નક્સવાદી નેટવર્કનો સૌથી ખતરનાક કમાન્ડર માદવી હિડમા વર્ષો સુધી સુરક્ષા એન્જસીઓને પડકાર આપી રહ્યો હતો. તેનો જન્મ 1981માં સુકમા જિલ્લાના પુવર્તી ગામમાં થયો હતો. તે ઘણી નાની ઉંમરમાં જ માઓવાદી વિચારધારાથી પ્રેરિત થયો હતો, અને માત્ર 15 વર્ષની ઉંમરે પીપલ્સ વોર ગૃપ સાથે જોડાયો હતો. જે બાદ તેણે સંગઠનમાં વિવિધ સ્તરે જવાબદારી સંભાળી. ધીરે ધીરે તે કુશળ અને ખતનાક કમાન્ડર તરીકે સામે આવ્યો.
ગેરિલા યુદ્ધમાં મહારત મેળવી
વર્ષ 1996માં માદવી હિડમા પામેડ રેન્જ કમિટીમાં એક્ટિવ હતો, શરૂઆતના વર્ષોમાં દંડકારણ્ય આદિવાસી ખેત મજૂર સંઘ(DAKMS)માં કામ કર્યું. વર્ષ 2000માં એમએમસીની સ્થાપના બાદ તેને તેમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી, કહેવામાં આવે છે કે, રમન્ના અને દેવજી જેવા ટોચના માઓવાદી નેતાઓએ પ્રત્યક્ષ ટ્રેનિંગ આપીને તેને ગેરિલા યુદ્ધકળામાં પારંગત બનાવ્યો હતો.
26 મોટા હુમલાની યોજનામાં હાથ
1997-98 દરમિયાન તેને હથિયારોની સંભાળ અને ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી. થોડા સમય બાદ તેને દંડકારણ્ય સ્પેશિયલ ઝોન કમીટી (DKSZC)માં મુકવામાં આવ્યો. હિડમાને DKSZCનો સચિવ બનાવવામાં આવ્યો. તેને સૌથી કુખ્યાત નક્સલી હુમલાઓનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. ગત વીસ વર્ષોમાં તેણે 26 મોટા હુમલાની યોજના બનાવી તેને અંજામ આપ્યો છે. સરકારે તેના માથે એક કરોડનું ઈનામ પણ રાખ્યું હતું.
2010 દંતેવાડામાં હુમલામાં 76 જવાન શહીદ
6 એપ્રિલ, 2010ના રોજ છત્તીસગઢના તડમેટલા વિસ્તારમાં થયેલો હુમલો દેશમાં સુરક્ષા દળ પર થયેલો સૌથી મોટો નક્સલી હુમલો હતો. 150 સીઆરપીએફ જવાનની ટુકડી તાડમેટલાથી પસાર થઈ રહી હતી. ત્યારે 1000 નક્સલવાદીઓએ ઘાત લાગાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં 76 જવાન શહીદ થયા અને તેમના હથિયાર નક્સલવાદીઓએ લૂંટી લીધા હતા. આ હુમલાની સંપૂર્ણ રણનીતિ હિડમાએ તૈયાર કરી હતી.
2013માં ઝીરમ ખીણ નરસંહારમાં 27 લોકોના મોત
25 મે, 2013ના રોજ સુકમામાં પરિવર્તન યાત્રામાંથી પરત આવી રહેલા કોંગ્રેસ નેતાના કાફલા પર ઝીરમ ખીણમાં નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નંદકુમાર પટેલ, તેમનો પુત્ર અને ઘણા આગેવાનો સહિત કુલ 27 લોકોના મોત થયા હતા. નકસ્લવાદીઓ મહેન્દ્ર કર્માને પોતાનો સૌથી મોટો શત્રુ માનતા હતા, તેની પણ ક્રુરતાપૂર્વક હત્યા આ હુમલામાં જ કરવામાં આવી હતી. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ માદવી હિડમા જ હતો.
2017 કોંટામાં હુમલામાં 25 જવાન શહીદ
20 માર્ચ, 2017ના રોજ સુકમા જિલ્લામાં આવેલા કોટા વિસ્તારમાં રોડ કામગીરી સમયે સુરક્ષા કરી રહેલા સીઆરપીએફ જવાનો પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 25 જવાન શહીદ થયા હતા. આ હુમલામાં 400 જેટલા નક્સલવાદીએ સામેલ હતા. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ હિડમા જ હતો.
2021 સુકમા-બીજાપુર ઘર્ષણમાં 22 સુરક્ષા જવાન શહીદ
2021માં સુકમા-બીજાપુર વિસ્તારમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 22 જવાનના મોત થયા હતા. આ ગત સાત વર્ષમાં થયેલો સૌથી ભયાનક હુમલો હતો. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ હિડમા જ હતો. આ હુમલા બાદ નક્સલી સમુહમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ. આ હુમલામાં નક્સલવાદીઓએ હથિયારોની લૂંટ કરી અને સુરક્ષા દળોને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું.
રણનૈતિક મગજ સાથે જંગલની જાણકારી
હિડમા દક્ષિણ અને પશ્ચિમ બસ્તર વચ્ચેના જંગલ વિસ્તારમાં બેજ્જી, બુરકાપાલ, એલ્માગુંડા, તોંડામરકા, સલ્લાટોંગ, એર્રાપલ્લી, ગોડેબટુમમાં સતત સક્રિય રહ્યો. તેને નક્સલી સંગઠનનો મિલિટરી બ્રેઈન માનવામાં આવતો હતો. તેને જંગલની એટલી જાણકારી હતી કે, તેને સુરક્ષા દળો દ્વારા પકડવો અશક્ય લાગતો હતો. તે ઝડપથી પોતાની લોકેશન બદલતો અને 400 લડવૈયા સાથે ઓપરેશનને અંજામ આપતો હતો. હિડમાની સુરક્ષા માટે ઘણા ગાર્ડ પણ રહેતા. તે સતત ગામો બદલતા અને જંગલની કેડીનો ઉપયોગ કરીને સુરક્ષા દળોને હાથતાળી આપી નાસી છુટતા.
ટોચની નક્સલવાદી બેઠકોમાં પણ આપતો હાજરી
2014માં ઓરજા(માડ)માં થયેલી DKSZC અને SMC બેઠકમાં હિડમાએ હાજરી આપી હતી. 2019માં તે ઘણી ટોચની કેન્દ્રીય કમિટીના સભ્યો સાથે પોલિટ બ્યુરોની બેઠકોમાં પણ હાજર રહ્યો હતો. વર્ષોની શોધ અને ઓપરેશન બાદ સુરક્ષા દળોએ આધ્ર પ્રદેશ-છત્તીસગઢના જંગલોમાં તેને ઠાર કર્યો છે. તેમની પત્ની પણ આ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવી છે. હિડમાના મોતને છત્તીસગઢની સુરક્ષા વ્યવસ્થા માટે મોટી સફળતા માનવામાં આવે છે.













