મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી પસાર થતા સમૃદ્ધિ હાઇવે પર એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ છ લોકોના જીવતા બળી જવાને કારણે આખા રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોમાં પુણેથી પ્રવેશ પરીક્ષા આપીને પરત ફરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં જોડિયા બહેનોનો પણ સમાવેશ થાય છે.

કાર ચાલક કઇ સમજે તે પહેલા જ ધડાકાભેર અથડાઇ કાર

ઘટનાની વિગતો મુજબ, હાઇવે પર ઇથેનોલ ભરેલી એક ટ્રક અગાઉ કોઈ કારણસર અકસ્માતનો ભોગ બની હતી અને ત્યાં જ પાર્ક થયેલી હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા અધિકારીઓ ત્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાની પ્રક્રિયામાં હતા, તે દરમિયાન પુણેથી વર્ધા જતી એક કાર પૂરઝડપે આવી રહી હતી. કાર ચાલક પરિસ્થિતિનો અંદાજ મેળવે તે પહેલા જ તે ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોમાં તુરંત આગ લાગી ગઈ હતી.

બંને ગાડીઓમાં ભયાનક લાગી આગે

પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો ન હતો અને તેઓ આગમાં ભડથું થઈ ગયા હતા. બીજી તરફ, કારમાં સવાર વર્ધાના સાલોદ ગામના ચાર મુસાફરો કારની અંદર જ ફસાઈ ગયા હતા. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને બચાવી શકાઈ ન હતી.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ અંદરના દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે મૃતદેહોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે ગેસ કટરની મદદથી કારને કાપવી પડી હતી. આ દુર્ઘટનામાં જે જોડિયા બહેનોએ ભવિષ્યના ઉજ્જવળ સપના સાથે પ્રવેશ પરીક્ષા આપી હતી, તેમનું જીવન રસ્તામાં જ સમાપ્ત થઈ ગયું.

આગનું મુખ્ય કારણ ઇથેનોલનું જ્વલનશીલ પદાર્થ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત બાદ વાહનોમાં લાગેલી આગનું મુખ્ય કારણ ઇથેનોલનું જ્વલનશીલ હોવું હોઈ શકે છે. આ ઘટનાએ હાઇવે પરની સુરક્ષા અને માર્ગ અકસ્માતોને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વર્ધા જેવા શાંત વિસ્તારમાં આ અકસ્માતે એક આખા પરિવારને કાયમી માટે વેરવિખેર કરી દીધો છે, જેના કારણે સાલોદ ગામમાં ભારે આઘાત અને શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ FIFA ફાઇનલમાં હાર બાદ આર્જેન્ટિનામાં હિંસા, ચાહકો અને પોલીસ વચ્ચે અથડામણ