છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ શિવનેરી કિલ્લા પર આયોજિત કાર્યક્રમમાં આ વર્ષે ભારે નાસભાગ જોવા મળી હતી. પુણે જિલ્લાના જુન્નર તાલુકામાં આવેલા આ ઐતિહાસિક કિલ્લા પર રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. પરંતુ, ભીડ વ્યવસ્થાપનના અભાવે કિલ્લા પર નાસભાગ મચી ગઈ હતી, જેમાં મહિલાઓ અને નાના બાળકો સહિત ઓછામાં ઓછા એક ડઝન લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
શિવનેરી કિલ્લામાં ભીડ બેકાબૂ બની
કિલ્લા પર રાતથી જ વિવિધ સંગઠનોના કાર્યકરો અને ભક્તો 'શિવ જ્યોતિ' લઈને પહોંચવા લાગ્યા હતા. કિલ્લાના પ્રવેશદ્વાર ખાસ કરીને હાથી દરવાજા અને ગણેશ દરવાજા જેવા વિસ્તારો અત્યંત સાંકડા છે. એકસાથે મોટી સંખ્યામાં લોકોની અવરજવર અને અપૂરતી પોલીસ વ્યવસ્થાને કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. સાંકડી શેરીઓમાં ધક્કામુક્કી થતાં જ લોકો ગભરાઈને આમ-તેમ દોડવા લાગ્યા હતા, જેના પરિણામે નાસભાગ મચી હતી.
તંત્ર સામે અનેક સવાલો
પરંપરા મુજબ શિવનેરી કિલ્લા પર મુખ્યમંત્રીની હાજરીમાં સત્તાવાર કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પણ મુખ્યમંત્રીની હાજરીમાં સવારે 9 વાગ્યે પૂજન વિધિ નક્કી હતી. પરંતુ વીઆઈપી બંદોબસ્ત વચ્ચે સામાન્ય ભક્તોની સુરક્ષા અને ભીડ નિયંત્રણમાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ જણાય છે. ઘાયલોને તાત્કાલિક જુન્નરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.
મહારાષ્ટ્રમાં શિવજયંતિની ધૂમ
બીજી તરફ, મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં શિવજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. નાગપુરના પ્રખ્યાત છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે મધ્યરાત્રિથી જ ભક્તો એકઠા થયા હતા. ત્યાં શિવાજી મહારાજની પ્રતિમા પર જલાભિષેક અને દૂધભિષેક કરવામાં આવ્યો હતો. ઢોલ-નગારા અને ઝાંઝના નાદ સાથે ભવ્ય આરતી કરવામાં આવી હતી અને આખું વાતાવરણ 'જય ભવાની, જય શિવાજી' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
