મહારાષ્ટ્ર સરકારે પરિવહન ક્ષેત્રે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં ઓટો-રિક્ષા, ટેક્સી, તેમજ ઓલા અને ઉબેર જેવી કેબ સેવાઓ ચલાવતા ડ્રાઇવરો માટે સ્થાનિક 'મરાઠી' ભાષાનું પૂરતું કાર્યકારી જ્ઞાન હોવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. રાજ્યના પરિવહન વિભાગ દ્વારા મોટર વાહન અધિનિયમના સુધારેલા નિયમો અંતર્ગત આ નિર્ણયનો સખત અમલ શરૂ કરવામાં આવ્યો છે. જો ડ્રાઇવર મરાઠી બોલવામાં અક્ષમ જણાશે, તો તેનું લાયસન્સ, બેજ કે પરમિટ રદ કરવા સુધીનાં પગલાં લેવામાં આવશે.
નિયમ ભંગ બદલ કડક સજાની જોગવાઈ
પરિવહન વિભાગ હવે બિન-મરાઠી ડ્રાઇવરોને ઓળખીને તેમની ભાષાકીય ક્ષમતાની ચકાસણી કરશે. આ કાર્યવાહી નીચે મુજબ તબક્કાવાર કરવામાં આવશે:
એક મહિનાની નોટિસ: જે ડ્રાઇવરોને મરાઠી ભાષા નથી આવડતી તેમને ભાષા શીખવા માટે શરૂઆતમાં એક મહિનાનો સમય આપવામાં આવશે.
બેજ સસ્પેન્શન: જો નિર્ધારિત સમયમાં તેઓ મરાઠી શીખવામાં નિષ્ફળ જશે, તો તેમનો ડ્રાઇવિંગ બેજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાશે.
પરમિટ રદ્દીકરણ: જો કોઈ ડ્રાઇવર જાણીજોઈને ભાષા શીખવાનો ઇનકાર કરશે, તો કાયદાકીય રાહે તેનો બેજ અને પરમિટ કાયમી ધોરણે રદ થશે. આ મામલે ડ્રાઇવરોને કોઈ વધારાનો સમય ફાળવવામાં આવશે નહીં.
નવા બેજ માટે રૂબરૂ ટેસ્ટ અને વીડિયોગ્રાફી
નોંધનીય છે કે હાલમાં મહારાષ્ટ્રમાં આશરે ૯.૬૫ લાખ જેટલા ઓટો અને ટેક્સી પરમિટ ધારકો છે. હવેથી નવી પરમિટ કે નવો બેજ મેળવવા ઈચ્છુક ડ્રાઇવરોએ પરિવહન અધિકારીઓ સમક્ષ મરાઠી ભાષાનો રૂબરૂ ટેસ્ટ આપવો પડશે. અધિકારીઓ અરજદાર ડ્રાઇવર સાથે મરાઠીમાં વાતચીત કરશે અને પારદર્શિતા જાળવવા માટે આખી પ્રક્રિયાનું વીડિયો શૂટિંગ (વીડિયોગ્રાફી) પણ કરવામાં આવશે. મરાઠી આવડતી હોવાની સંપૂર્ણ પુષ્ટિ થયા બાદ જ નવો બેજ ઇશ્યૂ કરાશે.
નકલી પ્રમાણપત્રો વિરુદ્ધ તપાસનો આદેશ
પરિવહન વિભાગને એવી પણ ચોક્કસ ફરિયાદો મળી છે કે ઘણા લોકો મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષથી રહેતા હોવાના નકલી ડોમિસાઇલ (રહેઠાણના) પ્રમાણપત્રો બનાવીને ગેરકાયદેસર રીતે ટેક્સી અને ઓટોની પરમિટ મેળવી રહ્યા છે. આ કૌભાંડને ડામવા માટે રાજ્ય સરકારે પોલીસને આવા તમામ શંકાસ્પદ પ્રમાણપત્રોની સઘન તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર તપાસ ઝુંબેશની જવાબદારી એડિશનલ ટ્રાન્સપોર્ટ કમિશનર રવિ ગાયકવાડને સોંપવામાં આવી છે. તેમને આગામી મહિનાના અંત સુધીમાં આ તપાસનો સવિસ્તાર અહેવાલ સરકારને સુપરત કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Hormuz માંથી રાતોરાત તેલની હેરફેર, જાણો રાતના અંધારામાં US કેવી રીતે પાર પાડી રહ્યું છે ઓપરેશન!