ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી કરવામાં આવી હોવા છતાં, અમેરિકન સૈન્યએ આંતરરાષ્ટ્રીય તેલ પુરવઠાને જાળવી રાખવા માટે એક અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક અભિયાન શરૂ કર્યું છે. મીડિયા રિપોર્ટના એક અહેવાલ મુજબ, અમેરિકન સૈન્ય દરરોજ રાત્રિના અંધારામાં ૧૫ થી ૨૦ ઓઇલ ટેન્કરોને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર કરાવી રહ્યું છે. આ 'ઓપરેશન ઓઇલ થેફ્ટ' થકી દરરોજ અંદાજે 1 કરોડ (10 મિલિયન) બેરલ તેલ કાઢવામાં આવી રહ્યું છે.

કેવી રીતે પાર પડે છે આ રાત્રિ ઓપરેશન?

અમેરિકન સૈન્યએ એક અત્યંત સચોટ યોજના બનાવી છે, જે હેઠળ નીચે મુજબની કામગીરી થાય છે. અમેરિકન સૈન્યએ ઈરાની જળસીમાને ટાળીને ઓમાનના દરિયાકાંઠા નજીક એક નવો દક્ષિણ માર્ગ તૈયાર કર્યો છે. આ માર્ગ પર સંપૂર્ણપણે અમેરિકાનું નિયંત્રણ છે.માત્ર તેલ ભરેલા જહાજોને બહાર કાઢવામાં જ નથી આવતા, પરંતુ ખાલી ટેન્કરોને પણ અરબી સમુદ્રથી ગલ્ફના દેશો સુધી પહોંચાડવામાં આવે છે, જેથી તેઓ તેલ ભરીને ફરી પાછા ફરી શકે.દરરોજ રાત્રે જહાજોની હેરફેરનો સમય અગાઉથી નક્કી હોય છે. એક ચોક્કસ સમયે તેલ ભરેલા જહાજોનો કાફલો બહાર નીકળે છે અને બીજા સમયે ખાલી ટેન્કરો અંદર પ્રવેશે છે.

સૈન્ય સુરક્ષા અને કમાન્ડ સેન્ટર

આ સમગ્ર ઓપરેશનનું સીધું મોનિટરિંગ નોર્થ કેરોલિના સ્થિત ફોર્ટ બ્રેગ (Fort Bragg) ખાતેના યુએસ આર્મી હેડક્વાર્ટરથી કરવામાં આવે છે. આ કમાન્ડ સેન્ટર ગલ્ફ દેશોના સાથીઓ સાથે સતત સંપર્કમાં રહે છે અને દૈનિક શિપિંગ લિસ્ટ તૈયાર કરે છે.

જ્યારે આ ઓઇલ ટેન્કરો હોર્મુઝમાંથી પસાર થાય છે, ત્યારે અમેરિકન એરફોર્સના ફાઇટર જેટ્સ તેમને કવર પૂરું પાડે છે. આ જેટ્સ ઈરાન તરફથી આવી શકતી કોઈપણ ક્રુઝ મિસાઈલ કે ડ્રોન હુમલા સામે રક્ષણ આપવા સતત તૈનાત રહે છે. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનનું ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ભલે ગમે તેટલી ધમકી આપે, પરંતુ હોર્મુઝના આ રૂટ પર નિયંત્રણ ફક્ત અમેરિકાનું જ છે.

વૈશ્વિક અર્થતંત્ર પર સકારાત્મક અસર

યુદ્ધ અને તણાવની સ્થિતિમાં વૈશ્વિક સ્તરે કાચા તેલના પુરવઠામાં મોટી અછત સર્જાઈ હતી, જેના કારણે ભાવો આસમાને પહોંચ્યા હતા. ભલે આ ૧૦ મિલિયન બેરલ તેલ યુદ્ધ પહેલાના પુરવઠા કરતા અડધું છે, છતાં અમેરિકાની આ ગુપ્ત કાર્યવાહીના કારણે તેલ ફરીથી વૈશ્વિક બજારમાં પહોંચી રહ્યું છે. આનાથી તેલ સંકટને હળવું કરવામાં અને ભાવ નિયંત્રણમાં મોટી મદદ મળી રહી છે.

આ પણ વાંચોઃ US: જે પણ દેશ ઇરાનને મદદ કરશે તે સજા ભોગવવા તૈયાર રહે, ઇરાન સામે ટ્રમ્પનું કડક વલણ