અમેરિકા અને ઈરાન વચ્ચેની ખાઇ વધુ ઉંડી થતી જણાઇ રહી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેના સહયોગી દેશો સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ખુલ્લી ધમકી આપી છે કે જે પણ દેશ ઈરાનને કોઈપણ પ્રકારની મદદ કરશે, તેને અમેરિકાની અત્યાર સુધીની સૌથી કઠોર આર્થિક સજાનો સામનો કરવો પડશે.
ઈરાન સામે "આર્થિક ડી-ડે" ની ઘોષણા
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આક્રોશ વ્યક્ત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમણે ઈરાનને સમાધાન માટે શ્રેષ્ઠ તક આપી હતી, પરંતુ ઈરાન તેનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યું. આથી અમેરિકા હવે ઈરાન સામે "અભૂતપૂર્વ આર્થિક યુદ્ધ" શરૂ કરી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અત્યારે પતનની આરે ઊભું છે; તેમની નૌકાદળ અને વાયુસેના નષ્ટ થઈ ચૂકી છે, લશ્કરી ફેક્ટરીઓ બરબાદ થઈ ગઈ છે અને તેમનું ચલણ સાવ મૂલ્યહીન બની ગયું છે.તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે કોઈ પણ દેશ પોતાની નાણાકીય સંસ્થાઓ, એરપોર્ટ, વ્યવસાયો કે સરકારી સંસ્થાઓ દ્વારા ઈરાનને સહાય પૂરી પાડશે, તેને ગંભીર આર્થિક પરિણામો ભોગવવા પડશે.

સાથી દેશો પાસે સમર્થનની અપેક્ષા
ટ્રમ્પે તેલની દાણચોરી, રોકડ ટ્રાન્સફર, એક્સચેન્જ હાઉસ, શિપ રજિસ્ટ્રી અને ફ્રન્ટ કંપનીઓ જેવી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવાની હાકલ કરી છે. તેમણે આ કાર્યવાહીને 'આર્થિક ડી-ડે' (Economic D-Day) ગણાવીને ઈરાનને સંપૂર્ણપણે અલગ-થલગ કરવા માટે તમામ સાથી દેશોનો સાથ માંગ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ઐતિહાસિક પગલાં ઈરાનની દુનિયાભરમાં આતંક ફેલાવવાની ક્ષમતાને કાયમ માટે નષ્ટ કરશે અને ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર વિકસાવી શકશે નહીં.
સ્થાનિક રાજકારણ અને હોર્મુઝ સામુદ્રધુનીનો પેચીદો વિવાદ
એક તરફ ટ્રમ્પ ઈરાન પર દબાણ વધારી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકામાં નવેમ્બરમાં આવનારી ચૂંટણીઓ પહેલાં તેઓ સ્થાનિક સ્તરે પણ રાજકીય ટીકાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધ જેવી સ્થિતિનો કોઈ નક્કર રાજદ્વારી કે લશ્કરી ઉકેલ હજુ સુધી મળ્યો નથી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે પણ તાજેતરમાં જ ઈરાનને આર્થિક રીતે અભૂતપૂર્વ સ્તરે અલગ પાડી દેવાની ચીમકી આપી હતી.
હોર્મુઝ પર વિવાદ હજુ પણ ચાલુ
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં હોર્મુઝની સામુદ્રધુની છે. મિસાઈલ હુમલાઓમાં ઘટાડો થયો હોવા છતાં ઈરાને આ માર્ગ પર જહાજોની અવરજવરને અસરકારક રીતે અટકાવી દીધી છે. અમેરિકાની મુખ્ય માંગ આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને ફરીથી સંપૂર્ણપણે ખોલવાની છે. આ મુદ્દે અમેરિકાએ ઓમાનને પણ ચેતવણી આપી છે, જ્યારે ઈરાન ગલ્ફ આરબ દેશો સાથે મળીને શિપિંગ વ્યવસ્થાપનની યોજના બનાવી રહ્યું હોવાનું કહેવાય છે.
વાટાઘાટોને લઇને બંને દેશો વચ્ચે અંતર
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ માટે નક્કી કરાયેલો 60 દિવસનો વાટાઘાટોનો સમયગાળો કોઈ પણ સકારાત્મક પરિણામ વિના પૂર્ણ થઈ રહ્યો છે. ટ્રમ્પે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશો વચ્ચેની વાટાઘાટો સંપૂર્ણપણે અટકી ગઈ છે, અને બંને પક્ષો વચ્ચેનું અંતર હજુ પણ યથાવત છે.
આ પણ વાંચોઃ Weather Updates: દિલ્હીથી ઉત્તરાખંડ સુધી આકાશી આફત, 25 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદનું એલર્ટ