મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના આવાસ પર બોમ્બ લગાવવાની ધમકીના સમાચારથી રવિવારે સવારે ભારે હડકંપ મચી ગયો હતો. કોલ મળતા જ પોલીસ હરકતમાં આવી ગઈ અને સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દેવામાં આવી છે. જો કે તપાસમાં આ ધમકી ખોટી સાબિત થઈ છે. પોલીસે કોલ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પુછપરછ શરૂ કરી છે.


કોલરનું લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યું

એક પોલીસે અધિકારીએ જણાવ્યું કે રવિવારે સવારે અચાનક શહેરના પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર એક કોલ આવ્યો અને કોલરે દાવો કર્યો કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નાગપુર સ્થિત આવાસ પર બોમ્બ મુકવામાં આવ્યો છે. આ સૂચના મળતા જ પોલીસે તરત ટેક્નિકલ તપાસ શરૂ કરી દીધી અને ત્યારબાદ કોલરનું લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે બોમ્બ રાખવાનો કોલ નાગપુરના સક્કરદરા વિસ્તારમાં વિમા દવાખાનાની પાસે તુલસીબાગ રોડ પર રહેતા ઉમેશ વિષ્ણુ રાઉતે કર્યો હતો. પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેક કરીને આરોપીને સ્થળ પરથી કસ્ટડીમાં લઈ લીધો. ત્યારબાદ પ્રાથમિક તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે તેની ઔપચારિક રૂપથી ધરપકડ કરી લીધી.

પોલીસે કેસને ગંભીરતાથી લીધો, આરોપી વિરૂદ્ધ કેસ દાખલ

આરોપી ઉમેશ વિષ્ણુ રાઉત એક દેશી દારૂની દુકાન પર કામ કરે છે. પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોમ્બની ધમકીના સમાચાર એકદમ ખોટા હતા. તેમ છતાં પોલીસે કેસને ગંભીરતાથી લેતા તેની વિરૂદ્ધ કેસ દાખલ કરી લીધો છે. હાલમાં આરોપીની કડક પુછપરછ ચાલી રહી છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં બોમ્બની ખોટી ધમકીઓના કેસ સતત સામે આવી રહ્યા છે. ક્યારેક શાળામાં, ક્યારેક હોસ્પિટલમાં તો ક્યારે એરપોર્ટ અને સાર્વજનિક સ્થળો પર બોમ્બ મુકવાના સમાચાર મળતા રહે છે. જો કે બાદમાં આ ધમકીઓ ખોટી સાબિત થાય છે. તેમ છતાં પોલીસ તાત્કાલિક દરેક સૂચનાને ગંભીરતાથી લઈને તપાસ કરે છે.


  • Follow us on: