મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અજીત પવારને લઈ જઈ રહેલું એક વિમાન બુધવારે સવારે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મળતી માહિતી મુજબ, અજીત પવાર કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બારામતી જઈ રહ્યા હતા, ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો. હાલમાં આ વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું છે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની છે, તે અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
લેન્ડિંગ સમયે સર્જાઈ દુર્ઘટના
ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ તરત જ 66 વર્ષીય નેતા અજીત પવારને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના સ્થળેથી સામે આવેલા પ્રથમ વીડિયોમાં વિમાનની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે અને ત્યાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુર્ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.













