મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો આપતા તેમના કુલ 9 સાંસદોમાંથી 7 સાંસદોએ સત્તાવાર નેતૃત્વ સામે મોરચો ખોલી દીધો છે. આ તમામ બળવાખોર નેતાઓ હાલમાં દિલ્હીમાં હોવાના અહેવાલ છે અને તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના (શિંદે જૂથ)માં સામેલ થઈ શકે છે.રાજકીય વિશ્લેષકોના મતે, આ ભંગાણ કોઈ તાત્કાલિક ઘટના નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પક્ષની અંદર ધખતા અસંતોષનો વિસ્ફોટ છે.
બળવો કરનારા 7 સાંસદો કોણ કોણ છે?
પક્ષથી છેડો ફાડીને શિંદે જૂથ તરફ પ્રયાણ કરી રહેલા અગ્રણી નેતાઓમાં નીચેના સાંસદોનો સમાવેશ થાય છે:
Also Read
Maharashtra Politics : શિવસેનાના સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે મોટો ઝટકો, 7 સાંસદ બળવો કરે તેવી ચર્ચા
Maharashtra Politics : શિવસેનાના સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે મોટો ઝટકો, 7 સાંસદ બળવો કરે તેવી ચર્ચા
Maharashtra Politics: શિવસેના UBTના 7 સાંસદ શિંદેના નેતૃત્વ સાથે? અટકળો તેજ
- ઓમરાજે નિંબાલકર
- નાગેશ પાટિલ અષ્ટિકર
- સંજય ઉત્તમરાવ દેશમુખ
- સંજય (બંધુ) જાધવ
- સંજય દિના પાટિલ
- રાજાભાઉ (પરાગ) પ્રકાશ વાજે
- ભૌસાહેબ રાજારામ વાકચૌરે
શિવસેના (UBT)માં બળવા પાછળના 8 મુખ્ય કારણો
પાર્ટીના આંતરિક સૂત્રો અને બદલાયેલા રાજકીય સમીકરણો પર નજર કરીએ તો આ આખા બળવા પાછળ નીચેના મહત્વના પરિબળો જવાબદાર રહ્યા છે:
વિધાનસભા ચૂંટણી બાદ ફેલાયેલી નિરાશા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પક્ષને અપેક્ષા મુજબની જીત ન મળતા સાંસદોમાં ચિંતા હતી. નેતૃત્વ દ્વારા આ પરાજયનું ગંભીર આત્મનિરીક્ષણ ન કરાયું હોવાનો પણ કલહ હતો. વિપક્ષમાં બેસવાને કારણે નેતાઓની રાજકીય સક્રિયતા મર્યાદિત બની ગઈ હતી.
વિકાસ કાર્યો માટે ફંડની તંગી
રાજ્યમાં મહાયુતિ સરકાર હોવાને કારણે શિવસેના (UBT)ના સાંસદોને પોતાના મતવિસ્તારના વિકાસ કામો માટે ભંડોળ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. તેની સામે, ચૂંટણીમાં હારી ગયેલા મહાયુતિના સ્થાનિક નેતાઓને સરકારી સંસાધનો સરળતાથી મળી રહ્યા હતા, જે વર્તમાન સાંસદો માટે રાજકીય રીતે નુકસાનકારક સાબિત થઈ રહ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કથળતું પ્રદર્શન
મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પરિષદ અને નગર પંચાયત જેવી સ્થાનિક ચૂંટણીઓમાં પક્ષનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું. ઘણા વિસ્તારોમાં પાર્ટી ચોથા કે પાંચમા ક્રમે ધકેલાઈ જતાં સાંસદોને પોતાના રાજકીય અસ્તિત્વનો ડર સતાવવા લાગ્યો હતો.
મુંબઈ જેવા પરંપરાગત ગઢમાં પરાજય
મુંબઈ હંમેશા શિવસેનાનું હૃદય ગણાતું આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવવા છતાં પક્ષને સફળતા ન મળી. મુંબઈમાં ૩ મજબૂત સાંસદો હોવા છતાં આ પ્રકારના પરિણામો આવતા નેતાઓ ભવિષ્યની ચૂંટણીઓ માટે આશંકિત બન્યા હતા.
નેતૃત્વની શૈલી સામે સવાલો
કેટલાક નારાજ સાંસદોનું માનવું હતું કે ઉદ્ધવ ઠાકરે પક્ષની રણનીતિને લઈને પૂરતા આક્રમક નથી. પક્ષે રસ્તા પર ઉતરીને જે લોકઆંદોલનો કરવા જોઈએ તે થઈ રહ્યા નહોતા. સાથે જ પ્રમુખ અને સાંસદો વચ્ચેનો સંવાદ સેતુ પણ નબળો પડ્યો હતો.
એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેનો સમન્વયકારી અભિગમ
નારાજ જૂથમાં એવી ચર્ચા હતી કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદે વિરોધ પક્ષના સાંસદોના વ્યક્તિગત અને રાજકીય કામોમાં પણ મદદરૂપ થતા હતા. આ સકારાત્મક વલણને કારણે સાંસદો શિંદે જૂથ તરફ વધુ આકર્ષાયા.
'માતોશ્રી'ની બેઠકનો આકરો આદેશ
14 જૂનના રોજ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે બોલાવાયેલી બેઠકમાં 9 માંથી માત્ર 5 જ સાંસદો ઓનલાઈન જોડાયા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કથિત રીતે સ્પષ્ટ કહી દીધું હતું કે, "જેમને પક્ષ છોડીને જવું હોય તે જવા માટે મુક્ત છે." આ વિધાને સળગતા અસંતોષમાં ઘી હોમવાનું કામ કર્યું.
વર્ષ 2029ની ચૂંટણીની ચિંતા
સાંસદોને અહેસાસ થઈ ગયો હતો કે આગામી 2029ની લોકસભા ચૂંટણીમાં માત્ર પોતાની લોકપ્રિયતાના જોરે જીતવું અશક્ય છે. સંગઠનની નબળી સ્થિતિ અને સંસાધનોના અભાવને કારણે તેમણે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે નવો પક્ષ પસંદ કરવો યોગ્ય માન્યો.










