મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેનાના 60મા સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)ને મોટો રાજકીય ઝટકો આપવા તૈયારીમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ શિવસેના (UBT)ના 9 લોકસભા સાંસદોમાંથી 7 સાંસદો અલગ જૂથ બનાવી શકે છે અને બાદમાં શિંદે જૂથની શિવસેનામાં વિલય થઈ શકે છે.
કોનું નામ છે ચર્ચામાં?
મળતી માહિતી મુજબ ભાઉસાહેબ વાકચૌરે, સંજય દેશમુખ, અરવિંદ સાવંત, સંજય જાધવ, સંજય પાટીલ, નાગેશ બાપુરાવ અષ્ટિકર, રાજાભાઉ વાજે અને સંજય દીના પાટીલ જેવા નેતાઓના નામ સંભવિત બળવાખોરોની યાદીમાં ચર્ચાઈ રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આગામી એક-બે દિવસમાં આ સાંસદો લોકસભા અધ્યક્ષને મળીને અલગ જૂથની માન્યતા માટે પત્ર આપી શકે છે.
14 ધારાસભ્યો પણ પક્ષ છોડી શકે
આ દરમિયાન શિવસેના (UBT)ના નેતાઓ અનિલ દેસાઈ અને સંજય રાઉત પક્ષમાં ભંગાણ અટકાવવા માટે દિલ્હીમાં સક્રિય હોવાનું કહેવાઈ રહ્યું છે. શિંદે જૂથના નેતા અને ધારાસભ્ય કૃપાલ તુમાણેએ પણ મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ માત્ર સાંસદો જ નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેના 16 ધારાસભ્યોમાંથી 14 ધારાસભ્યો પણ પક્ષ છોડી શકે છે. તેમણે જણાવ્યું કે ઘણા જનપ્રતિનિધિઓ પક્ષની આંતરિક સ્થિતિથી અસંતુષ્ટ છે.
શિવસેના (UBT)એ નથી કરી કોઈ પુષ્ટી
કેન્દ્રીય રાજ્યમંત્રી અને શિંદે જૂથના નેતા પ્રતાપરાવ જાધવે દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના અનેક સાંસદો અને ધારાસભ્યોને પક્ષમાં યોગ્ય સન્માન મળતું નથી, જેના કારણે અસંતોષ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ઘણા નેતાઓએ પક્ષ છોડવાનો મનસૂબો બનાવી લીધો છે. હાલ આ તમામ દાવાઓ અંગે શિવસેના (UBT) તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Ram Mandir Donation Row : ચલણી નોટોની ગણતરી કરનારા 43 કર્મચારી SITની રડાર પર