મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના સ્થાપના દિવસ બાદ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે શનિવારે પોતાના સત્તાવાર X હેન્ડલ પર એક અત્યંત વિવાદાસ્પદ અને આકરા પ્રહાર કરતી પોસ્ટ શેર કરી છે. રાઉતે લખ્યું છે કે, ‘કેટલાક લોકો કૂતરા તો હોય છે, પરંતુ વફાદાર નથી હોતા.’ રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે સંજય રાઉતનો આ સીધો ઈશારો મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથ તરફ છે.


એકનાથ શિંદેએ આપ્યું હતું ‘સિંહ-કૂતરા’ વાળું નિવેદન

વાસ્તવમાં, શુક્રવારે શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે બંને જૂથોએ મુંબઈમાં જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એક રેલીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ જૂથના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "આ સિંહ તમારી સામે ઉભો છે. કૂતરાઓ ટોળામાં આવીને ભસે છે, પણ સિંહ હંમેશા એકલો જ આવે છે." શિંદેના આ નિવેદન પર જ પલટવાર કરતા સંજય રાઉતે વફાદારીનો મુદ્દો ઉઠાવીને શિંદે જૂથને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

શિવસેના (UBT)માં મોટી તૂટના એંધાણ

બીજી તરફ, મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં ‘ઓપરેશન ટાઈગર’ને લઈને ભારે ચર્ચા જાગી છે. એવા અહેવાલો છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 9 માંથી 6 સાંસદો ગમે ત્યારે બળવો કરીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ શકે છે. બળવાખોર વલણ અપનાવનારા સાંસદોમાં નાગેશ આષ્ટિકર, સંજય જાધવ, સંજય દેશમુખ, સંજય દીના પાટિલ, ઓમપ્રકાશ રાજેનિમ્બાલકર અને ભાઉસાહેબ વાકચૌરેના નામ મોખરે છે. સંજય રાઉતે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે સાંસદોને પક્ષ બદલવા માટે એડવાન્સમાં 15-15 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

બળવાખોર સાંસદોને 24 કલાકનું અલ્ટીમેટમ

આ આંતરિક કટોકટીને રોકવા માટે શિવસેના (UBT) એ શનિવારે તમામ 6 બળવાખોર સાંસદોને કારણ દર્શાવો (શો-કોઝ) નોટિસ ફટકારી છે અને 24 કલાકમાં ખુલાસો માંગ્યો છે. સંજય રાઉતે સ્પષ્ટ કર્યું છે કે જો સાંસદો યોગ્ય જવાબ નહીં આપે તો પાર્ટી તેમને અયોગ્ય જાહેર કરાવવા માટે કાયદાકીય કદમ ઉઠાવશે.

આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ સાંસદોના એ દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે જેમાં કહેવાયું હતું કે શિવસેના (UBT)નું કોંગ્રેસમાં વિલીનીકરણ થવાનો ડર હતો. ઠાકરેએ કહ્યું કે, "શિવસેના કોઈ પક્ષમાં ભળી જવા માટે નથી બની. જો અમે 30 વર્ષ જૂના સાથી ભાજપ સાથે વિલીનીકરણ ન કર્યું, તો કોંગ્રેસ સાથે કેવી રીતે કરીએ? ભાજપ અમારી પાર્ટીને ખતમ કરવા માંગે છે, જ્યારે કોંગ્રેસે આવો પ્રયાસ ક્યારેય નથી કર્યો."

આ પણ વાંચો:G7 Summitમાં ‘હું જ બોસ છું’ કહેવા પર ટ્રમ્પની સફાઈ, કહ્યું ‘હું તો બસ મજાક કરી રહ્યો હતો, લોકો સીરિયસ થઈ ગયા!’

  • Follow us on: