અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બેબાક અંદાજ અને અનોખી શૈલી માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલી G7 શિખર સંમેલન દરમિયાન તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેમાં તેઓ વિશ્વના શક્તિશાળી દેશોના નેતાઓ વચ્ચે પોતાને 'બોસ' ગણાવતા જોવા મળ્યા હતા. આ વૈશ્વિક વિવાદ અને ચર્ચાઓ વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પે મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમનું આ નિવેદન માત્ર એક સામાન્ય મજાક હતું, જેને ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યું છે.


'ધ એક્સિઓસ શો' પર ટ્રમ્પનો ખુલાસો

ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્પષ્ટતા એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન આપી હતી. હોસ્ટે જ્યારે તેમને પૂછ્યું કે, "તમે રૂમમાં જઈને કહ્યું કે હું બોસ છું, ત્યાં હાજર નેતાઓમાંથી કેટલા લોકોએ આ વાત સાચી માની હશે?" આ સવાલના જવાબમાં ટ્રમ્પે હસતા હસતા કહ્યું કે, "જ્યારે હું એ રૂમમાં દાખલ થયો જ્યાં વિશ્વના મોટા નેતાઓ પોતાની સીટ પર બેઠા હતા, ત્યારે હું માત્ર વાતાવરણને હળવું કરવા અને રમુજી બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ટિપ્પણીને ગંભીરતાથી લેવાનો મારો કોઈ ઈરાદો નહોતો."

ટ્રમ્પે આગળ ઉમેર્યું, "ત્યાં હાજર તમામ નેતાઓએ મારી વાત સાંભળી હતી. તેઓ બધા પોતપોતાના દેશના વડા છે અને જાણીતી હસ્તીઓ છે. મેં બસ તેમની તરફ જોયું અને કહી દીધું કે હું બોસ છું. આ માત્ર એક જોક હતો, પણ આ વાત આખી દુનિયામાં વંટોળની જેમ ફેલાઈ ગઈ. મને પણ વિશ્વાસ નથી થતો કે લોકો તેને આટલી ગંભીરતાથી લેશે. હું માત્ર મજાક કરતો હતો, સાચે જ બોસ બનવાનો મારો કોઈ ઈરાદો નહોતો."

G7 સમિટના છેલ્લા દિવસે બની ઘટના

આ રસપ્રદ ઘટના ત્રણ દિવસીય G7 શિખર સંમેલનના છેલ્લા દિવસે બની હતી. બુધવારે સવારે જ્યારે ટ્રમ્પ છેલ્લા સત્રની બેઠકમાં પહોંચ્યા ત્યારે અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પહેલેથી જ ગોઠવાઈ ગયા હતા. ટ્રમ્પ પોતાના 80મા જન્મદિવસની ઉજવણી પૂરી કરીને તરત જ ફ્રાન્સ પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, G7 (ગ્રુપ ઓફ સેવન) દેશો વારાફરતી આ સમિટની યજમાની કરે છે. ફ્રાન્સ બાદ વર્ષ 2027માં આ શક્તિશાળી દેશોના ક્લબની અધ્યક્ષતા અમેરિકાને મળવાની છે. આ જૂથની સ્થાપના 1975માં વૈશ્વિક આર્થિક મંદીમાંથી બહાર આવવા માટે થઈ હતી, જેમાં બાદમાં કેનેડા જોડાતા તે G7 તરીકે ઓળખાયું.

આ પણ વાંચો: Donald Trumpના G7 ફોટોવાળા નિવેદન પર Giorgia Meloniનો તીખો પલટવાર


  • Follow us on: