મહારાષ્ટ્રના ભાષા વિવાદ મામલે નવો ટ્વિસ્ટ આવ્યો છે. મનસેના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો નિર્દેશ આપતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં લલિતા કુમારી મામલેના નિર્ણયમાં જાહેર દિશા નિર્દેશોને દેશભરમાં લાગુ કરવાની માગ કરી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી આયોગને લલિતા કુમારી નિર્ણયમાં જાહેર કરેલા દિશા નિર્દેશોનું અનુપાલન કરાવાનો આદેશ આપે. આ અરજી મહારાષ્ટ્રના મુંબઇના રહેનારા વકીલ ઘનશ્યામ દયાળુ ઉપાધ્યાયે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે.
શું કહેવામાં આવ્યું છે અરજીમાં ?
દાખલ કરાયેલી અરજીમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજ ઠાકરે અને તેમના પક્ષના કાર્યકરો અન્ય રાજ્યોના લોકો સામે હિંસા કરે છે અને ભાષાના આધારે રાજકારણ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બંધારણની મૂળ ભાવના અને સુપ્રીમ કોર્ટના લલિતા કુમારીના નિર્ણયમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા વિરુદ્ધ છે.
કોને બનાવ્યા પક્ષકાર?
વકીલ ઘનશ્યામ દયાલુ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં મહારાષ્ટ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચ સહિત અન્ય અધિકારીઓને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ અને રાજ્ય સરકાર અને યોગ્ય અધિકારીઓને સૂચનાઓ જાહેર કરવી જોઈએ અને બંધારણનું રક્ષણ કરવું જોઈએ.
લલિતા કુમારી કેસ શું છે?
લલિતા કુમારી વિરુદ્ધ યુપી સરકાર કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પોલીસે કોગ્નિઝેબલ ગુનાઓ વિશે માહિતી મળતાં તાત્કાલિક એફઆઈઆર નોંધવી જોઈએ. જો પોલીસ આમ કરવામાં નિષ્ફળ જાય તો તેને કાનૂની અને બંધારણીય જવાબદારીઓનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.