મહારાષ્ટ્રમાં ચોમાસાની વિદાય પહેલાં જ પાણી સંકટની સ્થિતિને લઈને સરકાર સક્રિય બની છે. વરસાદની અછત અને અલ નીનોની અસરની શક્યતાને ધ્યાનમાં રાખીને જળ સંસાધન વિભાગે 31 ઓગસ્ટ 2027 સુધી પાણીના વ્યવસ્થાપન માટે વિગતવાર યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ પીવાના પાણીની જરૂરિયાતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

16 ઓક્ટોબરથી 10% પાણી કાપ

રાજ્યના તમામ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને 16 ઓક્ટોબર 2026થી ઓછામાં ઓછો 10% પાણી કાપ લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોએ પાણીની ઉપલબ્ધતા પ્રમાણે તેનો અમલ કરવાનો રહેશે.

265 તાલુકામાં દુષ્કાળની સ્થિતિ

મહારાષ્ટ્રના 265 તાલુકામાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. અહીં 2016ના ખરીફ સિઝનના નિયમોના આધારે ‘ટ્રિગર-1’ સ્થિતિ જોવા મળી હોવાનું જણાવાયું છે. આગામી સમયમાં પાણીની ઉપલબ્ધતા જાળવવા માટે સંબંધિત વિભાગોને સાવચેતીપૂર્વક આયોજન કરવા સૂચના અપાઈ છે.

દરેક ડેમમાં 10% ઇમરજન્સી બફર

ડેમ અને જળાશયોમાં પાણીની વહેંચણી કરતી વખતે સૌથી પહેલાં પીવાના પાણીનો જથ્થો સુરક્ષિત રાખવામાં આવશે. બાષ્પીભવન, કાંપ અને અનધિકૃત પાણી ઉપાડ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટ 2027 સુધી પીવાના પાણીનો સંગ્રહ જાળવવામાં આવશે. સાથે જ દરેક ડેમમાં 10% ઇમરજન્સી બફર સ્ટોક રાખવાની યોજના છે.

સિંચાઈમાં પણ પાણીનો ઉપયોગ મર્યાદિત

પીવાના પાણી, પશુઓ અને ઘાસચારાની જરૂરિયાતો પૂર્ણ થયા બાદ જ સિંચાઈ માટે પાણી ફાળવવામાં આવશે. રબી સિઝનમાં પહેલાં અનાજ અને ઘાસચારાના પાકોને પ્રાથમિકતા આપવામાં આવશે. પાણી બચાવતી સિંચાઈ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

ઉદ્યોગોને 30% પાણી રિસાયકલ કરવું પડશે

ઔદ્યોગિક ક્ષેત્ર માટે વપરાયેલા પાણીમાંથી ઓછામાં ઓછું 30% પાણી ફરી ઉપયોગમાં લેવા અથવા રિસાયકલ કરવા જરૂરી બનાવવામાં આવ્યું છે. બગીચા, બાંધકામ અને સફાઈ જેવા કામોમાં ટ્રીટેડ પાણીનો ઉપયોગ થાય તે માટે એસટીપી સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાની સૂચના પણ આપવામાં આવી છે.

ગેરકાયદે પાણી ઉપાડ સામે કાર્યવાહી

રેવન્યુ, પોલીસ અને જળ સંસાધન વિભાગની સંયુક્ત ટીમો ડેમ, નદી અને કેનાલમાંથી બિનમંજૂર પાણી ઉપાડ પર નજર રાખશે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી ઉપરાંત ગેરકાયદે પંપ અને સાધનો જપ્ત કરવામાં આવશે.

તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા સૂચના

મહારાષ્ટ્ર સરકાર દ્વારા પાણી સંકટને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા જણાવાયું છે. હવે આગામી મહિનાઓમાં પાણીની ઉપલબ્ધતા અને વપરાશ પર સરકારની યોજના કેટલી અસરકારક રહે છે તેના પર નજર રહેશે.  


  આ પણ વાંચો  :     Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો