કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દિવાળીને "ખુશીઓની ઈદ" ગણાવ્યા બાદ એક રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપે ખડગેની આકરી ટીકા કરતા તેમના પર "વોટ-બેંક માટે તુષ્ટિકરણ"ની રાજનીતિ કરવાનો અને "સનાતન-વિરોધી" માનસિકતા ધરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદને કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવો સંઘર્ષ શરૂ થયો છે, જેમાં સત્તાધારી પક્ષે તહેવાર અંગેની ટિપ્પણી બદલ કોંગ્રેસ અધ્યક્ષને નિશાન બનાવ્યા છે.
આ સમગ્ર મામલો શું છે?
દિવાળીના અવસરે મીડિયા સાથે વાતચીત દરમિયાન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક એવું નિવેદન આપ્યું જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. તેમણે દિવાળીની શુભેચ્છા પાઠવતી વખતે આ ટિપ્પણી કરી હતી. મીડિયા સાથે વાત કરતા ખડગેએ કહ્યું, "હું દરેકને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. આ સમગ્ર ભારતમાં લોકો દ્વારા ઉજવવામાં આવતો એક મોટો તહેવાર છે. તેનું કારણ એ છે કે આ 'ખુશીઓની ઈદ' છે. એક એવી ઈદ જે લાંબા સમય સુધી ચાલે છે." ખડગેના આ નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કરતા કોંગ્રેસને "હિન્દુ-વિરોધી" અને "સનાતન-વિરોધી" ગણાવી છે.
ભાજપનો કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ
ભાજપના પ્રવક્તા સી.આર. કેશવને કહ્યું, "કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દિવાળી અંગેનો આ વિચિત્ર સંદેશ એ કડવું સત્ય ઉજાગર કરે છે કે કોંગ્રેસ પક્ષ, પોતાની હાનિકારક 'વોટ-બેંક તુષ્ટિકરણ'ની રાજનીતિને આગળ વધારવા માટે, કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડતા કે તેમનું અપમાન કરતા ક્યારેય અચકાતો નથી. આ એ જ ખડગેજી છે જેમણે એક સમયે મહાકુંભની પણ અપમાનજનક રીતે મજાક ઉડાવી હતી."
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાહુલ ગાંધીએ છઠ પૂજાને માત્ર એક "ડ્રામા" ગણાવીને જે રીતે તેનું ઘોર અપમાન કર્યું હતું, તેને દેશ ક્યારેય ભૂલશે નહીં કે માફ કરશે નહીં. નેહરુના સમયની કોંગ્રેસ જેણે ભવ્ય સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો વિરોધ કર્યો હતો. તેનાથી લઈને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સુધી જેણે ભવ્ય રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહને દૂષિત ભાવનાથી માત્ર "નાચ-ગાન" ગણાવીને અપમાનિત કર્યું હતું. કોંગ્રેસ પક્ષે સતત હિન્દુ-વિરોધી માનસિકતા જાળવી રાખી છે. તે આજે પણ તુષ્ટિકરણ પર આધારિત, સમાજમાં ભાગલા પાડનારી 'વોટ-બેંક'ની રાજનીતિને પ્રોત્સાહન આપી રહી છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ ટિપ્પણી કરી, "દિવાળીના તહેવાર પર પણ કોંગ્રેસ તુષ્ટિકરણ અને વોટ-બેંકની રાજનીતિ સિવાય બીજું કંઈ વિચારી શકતી નથી. ભૂતકાળમાં, સોનિયા ગાંધી બાબરી [મસ્જિદ] મુદ્દે રડી પડ્યા હતા; આજે ખડગેજી તેમના દિવાળી સંદેશમાં તુષ્ટિકરણ કરી રહ્યા છે. કોંગ્રેસ સનાતન-વિરોધી છે."
ભાજપે સોનિયા ગાંધી દ્વારા બાબરી મસ્જિદ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓને ઉજાગર કરીને વિવાદ પણ સર્જ્યો છે. આ ટિપ્પણીઓ તેમના નવા પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ' (Belonging: A Journey of Love) ના પ્રકાશન પૂર્વે બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં સામે આવી હતી.
6 ડિસેમ્બર, 1992ની ઘટનાને યાદ કરતા જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ટેલિવિઝન પર આ ઘટના બનતી જોઈને તેઓ રડી પડ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે આ ધ્વંસને કારણે તેમને અહેસાસ થયો કે ભારતે તેના બિનસાંપ્રદાયિક પાયાને જાળવી રાખવા માટે લાંબા સંઘર્ષનો સામનો કરવો પડશે. સોનિયા ગાંધીએ એ પણ સ્વીકાર્યું કે કોંગ્રેસ કેટલીક બાબતોમાં બેદરકાર રહી હતી. જેના કારણે અમુક અંશે ભાજપ અને તેની 'હિંદુત્વ'ની રાજનીતિને આગળ વધવાની તક મળી ગઈ.
આ પણ વાંચો: Sheikh Hasina: વતન વાપસી માટે તૈયાર શેખ હસીના! માંગ્યો નવો પાસપોર્ટ અને ઓળખ કાર્ડ, બાંગ્લાદેશ દૂતાવાસને મોકલ્યો પત્ર
