મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ફરી એકવાર ઉખરુલ જિલ્લો હિંસાની લપેટમાં આવ્યો છે. લિટોન સરીખોંગ ગામમાં બદમાશો દ્વારા કરવામાં આવેલી આગજની અને હિંસક પ્રવૃત્તિઓને પગલે સમગ્ર જિલ્લામાં ભારે તણાવ વ્યાપી ગયો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી કર્ફ્યુ લાદી દીધો છે અને આગામી પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
હિંસાની શરૂઆત કેવી રીતે થઈ?
વહીવટી અહેવાલો અનુસાર, હિંસાની આ ચિનગારી શનિવારે રાત્રે તે સમયે ચંપાઈ હતી જ્યારે 7 થી 8 અજાણ્યા શખ્સોએ લિટોન ગામમાં તાંગખુલ નાગા સમુદાયના એક વ્યક્તિ પર હિંસક હુમલો કર્યો હતો. આ ઘટના બાદ રવિવારે બંને પક્ષો વચ્ચે સમાધાન માટે બેઠક યોજાઈ હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. પરિણામે, સોમવારે મધ્યરાત્રિએ સ્થિતિ વધુ વણસી હતી. સશસ્ત્ર જૂથોએ લિટોન સારાખોંગમાં તાંગખુલ નાગા સમુદાયના અનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. વળતા પ્રહારમાં અન્ય સમુદાયના ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે, જેનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગામડાઓ ખાલી થયા અને ગભરાટ ફેલાયો
હિંસા દરમિયાન સશસ્ત્ર જૂથોએ હવામાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગવા મજબૂર બન્યા હતા. લિટોન ગામ અને પડોશી પહાડી વિસ્તારોના ગ્રામજનો પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને કાંગપોકપી જિલ્લાના સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે. તાંગખુલ નાગા સમુદાયના પણ અનેક પરિવારોએ ડરના માર્યા પોતાના ઘર છોડી દીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, કે. લુંગવિરામ ગામમાં પણ ઘરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
સરકારના કડક પગલાં
મણિપુર સરકારના ગૃહ કમિશનરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મહત્વનો આદેશ જારી કર્યો છે. અફવાઓને કારણે હિંસા વધુ ન ભડકે તે માટે સમગ્ર ઉખરુલ જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે. સરકારી આદેશમાં જણાવાયું છે કે, તાજેતરની ઘટનાઓ જાહેર સુરક્ષા અને શાંતિ માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. ખોટી માહિતીનો ફેલાવો રોકવા અને પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે ઇન્ટરનેટ સ્થગિત કરવું અનિવાર્ય છે."હાલમાં સમગ્ર વિસ્તારમાં વધારાની સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા શાંતિ સ્થાપવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ LokSabha માં સ્પીકરને પદ પરથી કેવી રીતે હટાવી શકાય? જાણો તેની પ્રક્રિયા અને જોગવાઇ વિશે