મણિપુરમાં ભારતીય સેના અને આસામ રાઈફલ્સે સંયુક્ત ઓપરેશન ચલાવી ઉગ્રવાદી સંગઠનના ઠેકાણાને નષ્ટ કર્યા છે. આ કાર્યવાહીમાં એક ઉગ્રવાદીને ઠાર મારવામાં આવ્યો હતો, જ્યારે તેના અન્ય સાથીદારો જંગલ અને પહાડી વિસ્તારનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. સુરક્ષા દળોની આ સફળ કામગીરીથી વિસ્તારમાં સક્રિય ઉગ્રવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે.


સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

મળતી માહિતી મુજબ, 16 જૂન 2026ના રોજ ચુરાચાંદપુર જિલ્લાના હેંગલેપ ઉપવિભાગના દૂરના અને દુર્ગમ વિસ્તારમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળી હતી કે યુનાઈટેડ કુકી નેશનલ આર્મી (UKNA)ના ઉગ્રવાદીઓ આ વિસ્તારમાં સક્રિય છે અને પોતાના ઠેકાણાં બનાવી રહ્યા છે. ખરાબ હવામાન અને મુશ્કેલ પહાડી ભૂગોળ હોવા છતાં ભારતીય સેના અને આસામ રાઇફલ્સની ટીમે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

બંકરો અને અન્ય ઠેકાણાંને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા

સુરક્ષા દળો ઉગ્રવાદીઓના ઠેકાણાં નજીક પહોંચતા જ બંને તરફથી ભારે ગોળીબાર શરૂ થયો હતો. અથડામણ દરમિયાન એક ઉગ્રવાદી માર્યો ગયો હતો, જ્યારે અન્ય ઉગ્રવાદીઓ સ્થળ છોડીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તપાસ દરમિયાન ઉગ્રવાદીઓ દ્વારા બનાવવામાં આવેલા મજબૂત બંકરો અને અન્ય ઠેકાણાંને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને યુદ્ધસામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં પણ આવા અભિયાનો ચાલુ રહેશે

રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી ઉગ્રવાદી સંગઠનના માળખાને ગંભીર નુકસાન પહોંચ્યું છે. સુરક્ષા દળો વિસ્તારની શાંતિ, સુરક્ષા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આવા અભિયાનો ચાલુ રહેશે જેથી રાજ્યમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાય.

આ પણ વાંચો : Karnataka MLC Election: CM DK એ ખેલ્યો દાવ ! BJPના 2 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે ફોટા પડાવ્યા



  • Follow us on: