પૂર્વોત્તર ભારતના મણિપુરમાં ઝેરી દારૂ પીવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે.ચંદેલ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાં છે, જ્યારે 180થી વધુ લોકો બીમાર પડ્યા છે.તમામ અસરગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.પોલીસ અધિકારીઓ આ ઘટનાને શંકાસ્પદ મેથેનોલ પોઇઝનિંગનો મામલો માની રહ્યા છે.અસરગ્રસ્તોમાં પુખ્ત વયના અને આધેડ વયના લોકોનો સમાવેશ થાય છે.અનેક દર્દીઓમાં મેથેનોલ ઝેરની અસર જોવા મળી છે.આશંકા છે કે સ્થાનિક દારૂમાં ઝેરી મેથેનોલ ભળી જતાં આ દુર્ઘટના સર્જાઈ છે.
શિજામાં 180થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
ઘટના બાદ ઇમ્ફાલની શિજા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં સતત નવા દર્દીઓ આવી રહ્યા હોવાથી ઇમરજન્સી મેડિકલ સેવાઓ પર ભારે દબાણ ઊભું થયું છે. અહેવાલો અનુસાર, અસરગ્રસ્તોને લઈને વધુ એક બસ હોસ્પિટલ તરફ આવી રહી હતી, જેના કારણે દર્દીઓ અને મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.શિજા હોસ્પિટલના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ચેતન હુંડોંગબામે ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચંદેલ જિલ્લામાં ઝેરી પદાર્થની અસરથી લોકો બીમાર પડ્યા હોવાની માહિતી અગાઉથી મળી હતી.દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા બાદ આ મેથેનોલ પોઇઝનિંગનો મામલો હોવાનું જાણવા મળ્યું હતું.અત્યાર સુધીમાં 180 દર્દીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.એક દર્દીને મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો.
