મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે તામેંગલોંગ જિલ્લામાં રવિવારે ફરી એકવાર સશસ્ત્ર હુમલાખોરોએ રક્તપાત આચર્યો છે. પહેલી ઘટના તામેંગલોંગના કૈમાઈ પોલીસ સ્ટેશન હેઠળના ટોલોન ગામમાં સવારે આશરે 5:30 વાગ્યાના સુમારે બની હતી. સશસ્ત્ર ગુનેગારોએ એક પરિવાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 46 વર્ષીય મહિલા લિંગઝાંગાઈ સિંગસિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મણિપુરમાં ફરી લોહિયાળ હિંસા

જ્યારે તેમના પતિ સેનેહ સિંગસિત અને 6 વર્ષના માસૂમ પુત્રને ગંભીર રીતે ગોળી વાગી હતી. ઘાયલ પિતા-પુત્રને સારવાર અર્થે પાડોશી રાજ્ય આસામની સિલચર મેડિકલ કોલેજ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ પતિ સેનેહ સિંગસિતનું પણ કરુણ મોત નીપજ્યું હતું. 6 વર્ષના બાળકની હાલત હજુ પણ ગંભીર જણાવાઈ રહી છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હુમલાખોરોએ દંપતી સહિત 4 લોકોની કરી નિર્મમ હત્યા

પ્રથમ ઘટનાના ગણતરીના કલાકો બાદ જ, બપોરે આશરે 3:00 વાગ્યાના અરસામાં નુંગબા પોલીસ સ્ટેશન ક્ષેત્રના લોંગપી ગામમાં બીજો હુમલો થયો હતો. જેમાં લોંગપી ગામના રહીશ જિલી સિંગસિન અને રેયોલ ગેંગટે નામના બે લોકોના મોત થયા હતા. કુકી સંગઠન 'વેસ્ટર્ન વિલેજ વોલેન્ટિયર્સ' (WVV) ના પ્રવક્તા ઓબેન સિંગસને નિવેદન આપતાં આરોપ લગાવ્યો છે કે, આ હુમલો નાગા ઉગ્રવાદી જૂથો NSCN-IM અને ZUF-K ના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.

6 વર્ષના માસૂમ બાળકને ગોળી વાગતાં સારવાર હેઠળ

હત્યા બાદ હુમલાખોરો ગામના સેન્ટર તરફ આગળ વધ્યા હતા, પરંતુ સ્થાનિક ગ્રામીણ વોલેન્ટિયર્સ સાથેના વળતા ગોળીબાર બાદ તેઓને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પોલીસ સ્ટેશનથી 30 કિલોમીટર દૂર અને ખરાબ રસ્તા ધરાવતા વિસ્તારમાં આ ઘટના બની હોવાથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આ પણ વાંચો: BRICS Summit 2026: ઈરાન-UAE નેતાઓની બેઠક પર ટ્રમ્પને લાગ્યા મરચા-કહ્યું મને કોઈ ફર્ક નથી પડતો