સમગ્ર દેશમાં 21 મે, 2026નો દિવસ રાજકીય, સામાજિક અને વહીવટી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ખાસ બેઠકથી લઈને દિલ્હીમાં ટ્રાન્સપોર્ટરોના ચક્કાજામ સુધી, ગુરૂવારના રોજ દેશમાં કઈ મોટી ઘટનાઓ આકાર લેશે, આવો જાણીએ વિગતવાર.
મોદી સરકારના 2 વર્ષ અને મંત્રીપરિષદની બેઠક
મોદી સરકારના વર્તમાન કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તે પહેલા 21 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીપરિષદની એક હાઈ-લેવલ બેઠક યોજાશે. આ બેઠકમાં સરકારની કામગીરીના "મિડ-ટર્મ રિપોર્ટ કાર્ડ" પર ઊંડું મંથન કરવામાં આવશે. આ સાથે જ આગામી સમય માટે પક્ષ કોઈ મોટા જનસંપર્ક કાર્યક્રમોની જાહેરાત પણ કરી શકે છે.
નીટ (NEET) પેપર લીક મામલે NTA DGને તેડું
સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક મામલે 21 મેના રોજ મોટો વળાંક આવી શકે છે. શિક્ષણ પર બનેલી સંસદીય સમિતિની 21 મેના રોજ બપોરે 1 વાગ્યે બેઠક યોજાશે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડાયરેક્ટર જનરલ (DG)ને સમન્સ પાઠવી હાજર રહેવા જણાવાયું છે. DGએ સમિતિ સમક્ષ પેપર લીક સાથે જોડાયેલી તમામ સત્તાવાર માહિતી અને અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કરવો પડશે.
દિલ્હીમાં 3 દિવસની ઓટો-ટેક્સી હડતાળ અને ચક્કાજામ
દેશની રાજધાની દિલ્હીના સામાન્ય નાગરિકો માટે 21 મેના રોજથી મુશ્કેલીઓ વધી શકે છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે ભાડું વધારવાની માગ સાથે ઓટો અને ટેક્સી ચાલકોએ 21થી 23 મે સુધી સતત ત્રણ દિવસની હડતાળનું એલાન કર્યું છે. બીજી તરફ, દિલ્હીમાં બહારથી આવતા કોમર્શિયલ વાહનો પર લાદવામાં આવેલા ગ્રીન ટેક્સના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ પણ 'ચક્કાજામ'ની જાહેરાત કરી છે, જેનાથી સપ્લાય ચેઈનને અસર થઈ શકે છે.
બંગાળની ફલતા બેઠક પર ફરી મતદાન
પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન (Re-polling) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી રસપ્રદ વળાંક પર છે. કારણ કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ઉમેદવાર જહાંગીર ખાને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે આ બેઠક પર મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) વચ્ચે જોવા મળશે.
કાળઝાળ ગરમીનો પ્રકોપ અને 17 રાજ્યોમાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. દિલ્હીમાં 21થી 26 મે સુધી ગરમીનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 45 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. જ્યારે ઉત્તર પ્રદેશ (UP) અને મધ્ય પ્રદેશ (MP) માટે ગંભીર હીટવેવનું 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. આ સિવાય દેશના અન્ય 17 રાજ્યોમાં ગરમીની સાથે આંધી અને ક્યાંક હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ઇન્ડિયા ગેટ પર યુવાનો કરશે વિરોધ પ્રદર્શન
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. આ નિવેદનના વિરોધમાં 21 મેના રોજ દિલ્હીના ઐતિહાસિક ઇન્ડિયા ગેટ ખાતે એક મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈને સાંજે 4:00 વાગ્યે આ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરશે અને પીએમ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી સામે પોતાનો આક્રોશ નોંધાવશે, જેને પગલે દિલ્હી પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો - Police Recruitment Exam: 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ