5 જૂનનો દિવસ દેશ અને ગુજરાતના રાજકારણ તેમજ સામાજિક ક્ષેત્રે અત્યંત મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. એક તરફ સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને દમણને હજારો કરોડના વિકાસકામોની ભેટ આપશે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજકારણમાં પણ મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. આવો જાણીએ 5 જૂનના રોજ બનનારી તમામ મોટી અને મહત્વની ઘટનાઓ વિશે...
PM મોદીનો સુરત અને દમણ પ્રવાસ: રૂ. 21,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત અને સંઘપ્રદેશ દમણની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
- સુરત મુલાકાત (બપોરે 2 વાગ્યે): વડાપ્રધાન મોદી બપોરે 2 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન કરશે. ત્યાંથી તેઓ હજીરા ખાતે L&T કંપનીની મુલાકાત લેશે અને ભારતીય સેના માટે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ બનેલા શસ્ત્રો અને ઔદ્યોગિક કાર્યોનું નિરીક્ષણ કરશે.
- સુરતમાં વિકાસકામોનું લોકાર્પણ: સાંજે 4:15 વાગ્યે સુરતના ઇન્દોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન મોદી એક વિશાળ સભાને સંબોધિત કરશે અને દક્ષિણ ગુજરાતને 18,800 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપશે. આ સાથે તેઓ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરશે. વડાપ્રધાન મોદી માટે સુરતમાં ખાસ રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે.
- દમણ પ્રવાસ (સાંજે 6:15 વાગ્યે): સુરતથી પીએમ મોદી હેલિકોપ્ટર મારફતે દમણ જવા રવાના થશે. વડાપ્રધાન મોદી 8મી વખત સંઘપ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ 2,970 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે.
- નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલ: દમણમાં વડાપ્રધાન મોદી નમો હવાઈમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત થશે અને લક્ષદ્વીપ માટે 885 કરોડ રૂપિયાના 4 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. કોલેજ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાશે.
વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યભરમાં ઉજવણી: દિગ્ગજ નેતાઓ જોડાશે
5 જૂનના રોજ 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Also Read
Surat News: પાંડેસરા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, રીઢા ગુનેગાર બેચર કાકડિયાને કોર્ટે ફટકારી ફાંસીની સજા
Gandhinagar News: વડાપ્રધાન મોદી આવતીકાલે સુરત પ્રવાસે, આપશે 18 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ
Iranમાં સત્તાપલટાનો ફફડાટ!, સુપ્રીમ લીડર Mojtaba Khameneiનો દાવો, 'અમેરિકા-ઇઝરાયલ રચી રહ્યા છે મોટું ષડયંત્ર'
- અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજિત 'મિશન ફાઇવ મિલિયન ટ્રી' કાર્યક્રમમાં વહેલી સવારે હાજરી આપી વૃક્ષારોપણ કરશે.
- નવસારીમાં સીઆર પાટીલ: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે આવશે. તેઓ નવસારી મનપા દ્વારા આયોજિત વિશેષ સફાઈ અભિયાનમાં ભાગ લેશે અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાશે.
- બોટાદમાં ભાજપ-વન વિભાગનો કાર્યક્રમ: બોટાદ જિલ્લા ભાજપ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આરટીઓ (RTO) કચેરી ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે, જેમાં ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ વૃક્ષારોપણ કરી લોકોને પર્યાવરણ પ્રત્યે માહિતગાર કરશે.
રાષ્ટ્રીય રાજકારણના મોટા સમાચાર: અન્નામલાઈ ભાજપ છોડશે?
દક્ષિણ ભારતના રાજકારણમાંથી ભાજપ માટે એક મોટો આંચકાજનક અહેવાલ સામે આવી રહ્યો છે. તામિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પોલીસ અધિકારી કે. અન્નામલાઈ 5 જૂનના રોજ ભાજપની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષમાં હાંસિયામાં ધકેલાયા હોવાની અને નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
દેશના અન્ય મહત્વના રાજકીય અને સુરક્ષા સમાચાર
- અમિત શાહનો ત્રિપુરા પ્રવાસ: ગૃહમંત્રી અમિત શાહ સરહદી સુરક્ષાની સમીક્ષા કરવા માટે ત્રિપુરાના લંકામૂરા જશે. છેલ્લા 15 દિવસમાં સરહદ સુરક્ષાને લઈને તેમનો આ ત્રીજો પ્રવાસ છે. આ પહેલા તેઓ રાજસ્થાન અને ગુજરાત સરહદની સમીક્ષા કરી ચૂક્યા છે.
- રાહુલ ગાંધી બેંગલુરુમાં: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બેંગલુરુના પ્રવાસે જશે. બપોરે 1 વાગ્યે મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભા માટે નામાંકન દાખલ કરશે, તે સમયે રાહુલ ગાંધી હાજર રહેશે. સોનિયા ગાંધી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
- ઝારખંડ ભાજપની બેઠક: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન બે દિવસીય પ્રવાસે રાંચી (ઝારખંડ) પહોંચશે. આગામી રાજ્યસભા ચૂંટણીની રણનીતિ ઘડવા માટે તેઓ એનડીએ (NDA) ના સહયોગી પક્ષો સાથે મંથન કરશે.
- યુપી સીએમ યોગી આદિત્યનાથનો જન્મદિવસ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જન્મદિવસ હોવાથી, સમગ્ર યુપીમાં અલગ-અલગ જગ્યાએ સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
- રાજનાથ સિંહ લખનૌમાં: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 5 થી 7 જૂન સુધી પોતાના સંસદીય ક્ષેત્ર લખનૌની મુલાકાતે રહેશે. તેઓ અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવના અવસાન પર શોક વ્યક્ત કરવા તેમના નિવાસ્થાને જશે.
ગુજરાતના અન્ય સ્થાનિક મહત્વના સમાચાર
- અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબ બ્લાસ્ટ ધમકી કેસ: અમદાવાદની પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળવાના મામલે પોલીસ એક્શનમાં છે. પોલીસે આ કેસમાં તાંઝાનિયાના ત્રણ વેપારીઓને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે અને 5 જૂનના રોજ તેમના નિવેદનો નોંધાય તેવી પૂરી શક્યતા છે.
- દેવભૂમિ દ્વારકામાં આંગણવાડી કાર્યકરોની રેલી: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં અંદાજે 100 જેટલી આંગણવાડી કાર્યકર મહિલાઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી સુત્રોચ્ચાર સાથે પગપાળા રેલી યોજશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.
આ પણ વાંચો - 4 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર










