સુરતની સેશન્સ કોર્ટે એક અત્યંત ક્રૂર અને લોહીલુહાણ હત્યાના કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે પાંડેસરા વિસ્તારમાં બનેલી આ ઘટનાને 'રેરેસ્ટ ઓફ ધ રેર' (અપવાદરૂપમાં પણ અપવાદરૂપ) ગણીને મુખ્ય આરોપી બેચરભાઈ ભગવાનભાઈ કાકડિયાને દોષિત ઠેરવી ફાંસીની (મૃત્યુદંડની) સજા ફટકારી છે. ધંધાકીય અદાવતમાં નિર્દોષ યુવાનની હત્યા કરનારા આ આરોપીની ક્રૂરતા સામે અદાલતે કડક વલણ અપનાવ્યું છે.
23 વર્ષના પુત્રની એસિડ અને કટર વડે હત્યા
આ ભયાનક કેસની વિગતો મુજબ, આરોપી બેચર કાકડિયાને તેના ભાગીદાર કીર્તીભાઈ સાથે રૂપિયા 15 લાખની લેતી-દેતી બાબતે ધંધાકીય અદાવત ચાલી રહી હતી. આ વેરનો બદલો લેવા માટે આરોપીએ કીર્તીભાઈના 23 વર્ષના માસૂમ પુત્ર યશને નિશાન બનાવ્યો હતો. આરોપીએ સંપૂર્ણ પૂર્વ આયોજન સાથે યુવાન પર પહેલા જલદ એસિડ રેડ્યું હતું અને ત્યારબાદ તે જીવ બચાવવા ભાગ્યો તો પાછળ દોડીને કટરના ઘા ઝીંકી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.













