સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક જાણીતા શોપિંગ સેન્ટરની લિફ્ટમાં અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિને આંતરીને લૂંટ ચલાવી હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ એક્શનમાં આવેલી વેસુ પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને દબોચી લીધો છે, જ્યારે તેના અન્ય બે સાગરીતો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
લિફ્ટમાં એક વ્યક્તિને આંતરીને ચલાવી લૂંટ
વેસુ વિસ્તારમાં આવેલા 'મની આર્કેડ શોપિંગ સેન્ટર'ની લિફ્ટમાં આ લૂંટનો બનાવ બન્યો હતો. ત્રણ લૂંટારુઓની ટોળકીએ લિફ્ટની અંદર એક વ્યક્તિને એકલતાનો લાભ લઈને આંતર્યો હતો. લૂંટારુઓએ તેને ડરાવી-ધમકાવીને તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને કુલ રૂ. 17,500ની મતા લૂંટી લીધી હતી અને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ભોગ બનનારે આ અંગે તાત્કાલિક વેસુ પોલીસ મથકનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.













