અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી એક પરિણીતાનું ફિલ્મી ઢબે અપહરણ થવાની ઘટનાથી સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ પર હતી. આ હાઈ-પ્રોફાઈલ અપહરણ કેસમાં સુરત શહેરની ઉત્રાણ પોલીસે એક અત્યંત પ્રશંસનીય અને સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઉત્રાણ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને અપહૃત મહિલાને ગુનેગારોની ચુંગાલમાંથી હેમખેમ અને સુરક્ષિત રીતે મુક્ત કરાવી લીધી છે. આ સાથે જ પોલીસે દેશભરમાં વોન્ટેડ અને આંતરરાજ્ય ગુનેગાર એવા દેવરચંદ ગુર્જર અને તેની આખી ટોળકીની ઘાતક હથિયારો અને ચોરીની ગાડી સાથે ધરપકડ કરી લીધી છે.
20 વર્ષની સખત સજા ફટકારવામાં આવી હતી
પોલીસ તપાસમાં આ કેસને લઈને જે કડીઓ સામે આવી છે તે ભારે ચોંકાવનારી છે. પકડાયેલો મુખ્ય સૂત્રધાર દેવરચંદ ગુર્જર કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ભૂતકાળમાં આ જ પરિણીતાના અપહરણના અન્ય એક કેસમાં તેને નામદાર અદાલત દ્વારા 20 વર્ષની સખત સજા ફટકારવામાં આવી હતી. આ આકરી સજા ભોગવતી વખતે આરોપી જેલમાંથી પેરોલ રજા પર બહાર આવ્યો હતો અને ત્યારબાદ પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો.













