નશાબંધી ધરાવતા ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક અતિ ભયાનક અકસ્માત સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક બેફામ સ્પીડે આવી રહેલી ઈવી કારના ચાલકે રસ્તા પર જતા નિર્દોષ બાઈક અને સ્કૂટર સવારોને અડફેટે લઈને કચડી નાખ્યા હતા. આ હૃદયકંપાવનારી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત સર્જનાર નશાખોર કાર ચાલકની ઓળખ થઈ ગઈ છે અને તે વ્યવસાયે એક આર્કિટેક હોવાનું બહાર આવ્યું છે.


 દારૂના નશામાં ધૂત હતો

મળતી વિગતો મુજબ, આરોપી 32 વર્ષીય વિજય શંભુભાઈ ભિખડિયા વ્યવસાયે લક્ઝુરિયસ લાઈફ જીવતો આર્કિટેક છે. અકસ્માત સમયે તે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને પોતાનું ભાન પણ નહોતું.

ચાલુ કારમાં જ બિયર પીતો હતો

ચોંકાવનારી બાબત એ છે કે, તે ચાલુ કારમાં જ બિયર પીતો પીતો આવી રહ્યો હતો અને નશાના જોરમાં તેણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ બેફામ દોડતી કારે રસ્તા પર જતા બે સગા ભાઈઓ અને બે અજાણી મહિલાઓને જોરદાર ટક્કર મારી દીધી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે આ ચારેય નિર્દોષ લોકોના હાથ-પગ કારના વ્હીલ નીચે કચડાઈ ગયા હતા અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આર્કિટેક વિજય ભિખડિયાની ધરપકડ

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને આરોપી આર્કિટેક વિજય ભિખડિયાની ધરપકડ કરી લીધી હતી. સરથાણા પોલીસે દારૂ પીને બેફામ ગાડી ચલાવવા તેમજ ગંભીર અકસ્માત સર્જી માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી કાર જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો-----     Gujarat Latest News live : પાખંડી આસારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફર્યું , ગેટ પાસે કેટલોક ભાગ તોડી પાડ્યો



  • Follow us on: