સુરતમાં મેડિકલ અભ્યાસક્રમમાં એડમિશન અને સ્કોલરશિપ અપાવવાના બહાને એક આશાસ્પદ વિદ્યાર્થીની અને તેના પરિવાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, વિદ્યાના ધામ સાથે જોડાયેલી અને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકા રુચિ પટેલે જ પોતાની ઓળખનો દુરુપયોગ કરીને આ ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. આરોપી મહિલાએ સ્કોલરશિપ અપાવવાની ખોટી લાલચ આપીને પીડિત પરિવાર પાસેથી કુલ 8.16 લાખની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.


સ્કોલરશીપની લાલચ આપી

મળતી વિગતો મુજબ, આરોપી પૂર્વ શિક્ષિકા રુચિ પટેલે વિદ્યાર્થીનીને વિશ્વાસમાં લીધી હતી કે તે ભારેખમ ફી ધરાવતા MBBSના કોર્સમાં તેને રૂ. 30 લાખની માતબર રકમની સ્કોલરશિપ અપાવી દેશે. સ્કોલરશિપની પ્રોસેસ, ફાઇલ ચાર્જ અને અન્ય વહીવટી ઓપચારિકતાઓના નામે આરોપી મહિલાએ પહેલા પરિવારનો ગાઢ વિશ્વાસ જીત્યો હતો.

દાગીના ગીરવે મુકાવી પૈસા પડાવ્યા

 ત્યારબાદ આર્થિક ભીંસનું બહાનુ આગળ ધરી, પીડિત પરિવાર પાસે રહેલા સોનાના કિંમતી દાગીના અલગ-અલગ જગ્યાએ ગિરવે મુકાવી દીધા હતા અને તેમાંથી મળેલી 8.16 લાખની રોકડ રકમ પોતે હડપ કરી લીધી હતી.

અંતે પોલીસમાં ફરિયાદ

લાંબો સમય વીતી જવા છતાં વિદ્યાર્થીનીને કોઈ સ્કોલરશિપ મળી નહોતી અને બીજી તરફ પોતાની પરસેવાની કમાણીના સોનાના દાગીના પણ પાછા ન મળતા પરિવારને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. અંતે, પીડિત વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આરોપી રુચિ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધીને પૂર્વ શિક્ષિકાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ સઘન તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----    Gujarat Latest News live : ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની ધરપકડ



  • Follow us on: