સુરતની લાજપોર જેલ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. જેલ પ્રશાસન અને ત્યાંના સ્ટાફ સામે કેદીઓ પાસેથી ગેરકાયદેસર રીતે મસમોટી રકમ વસૂલવામાં આવતી હોવાના ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો ઊઠ્યા છે.આ ચકચારી મામલે સુરતના સરથાણા વિસ્તારના એક આરોપી લલિત ડોંડા દ્વારા કોર્ટમાં કાયદાકીય અરજી દાખલ કરવામાં આવી છે. આ આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત કોર્ટે લાજપોર જેલ સુપ્રિટેન્ડન્ટ અને સત્તાધીશોને આકરા વલણ સાથે કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે અને તમામ બાબતો પર સત્તાવાર જવાબ રજૂ કરવા કડક આદેશ આપ્યો છે.


કેદીઓને હાઈ સિક્યુરિટી બેરેક માં ધકેલી દેવામાં આવે છે

અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જેલમાં આવતા નવા કેદીઓને માનસિક રીતે તોડવા અને ડરાવવા માટે તેમને સીધા જ કોઈ ચોક્કસ કારણ વિના હાઈ સિક્યુરિટી બેરેક માં ધકેલી દેવામાં આવે છે. ત્યારબાદ આ આકરી બેરેકમાંથી સામાન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવા અથવા જેલમાં અન્ય પાયાની સવલતો પૂરી પાડવાના અવેજ પેટે કેદીઓ અને તેમના પરિવારો પાસેથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે.

 રેકેટના પર્દાફાશ માટે ન્યાયની ગુહાર

અરજીકર્તા લલિત ડોંડા, જે પોતે સરથાણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં લાજપોર જેલમાં બંધ છે, તેણે જેલની અંદર ચાલતા આ વ્યવસ્થિત વસૂલાત રેકેટના પર્દાફાશ માટે ન્યાયની ગુહાર લગાવી છે. કોર્ટે આ મામલાને કેદીઓના માનવાધિકાર અને જેલના નિયમોના ઉલ્લંઘન તરીકે જોયો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો જેલ પ્રશાસન આ નોટિસનો સંતોષકારક જવાબ નહીં આપી શકે, તો કોર્ટ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ અથવા તટસ્થ એજન્સી દ્વારા જેલના આંતરિક વહીવટની તપાસના આદેશો છૂટી શકે છે. આ ઘટનાને પગલે સમગ્ર જેલ વિભાગ અને પોલીસ તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો----    Gujarat Latest News live : ભારતમાં ચોમાસાનું આગમન, કેરલમમાં ભારે વરસાદની ચેતવણી

  • Follow us on: