સ્વચ્છતાના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહેલા સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે. 5 જૂન એટલે કે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના અવસરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ અંદાજે રૂ. 18,000 કરોડના વિવિધ જનહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન અને તેમના 'સ્વચ્છ ભારત'ના આહવાનને ધ્યાનમાં રાખીને, આજે 4 જૂન, ગુરૂવારના રોજ ડાયમંડ સિટી સુરતમાં અભૂતપૂર્વ મેગા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.


સીઆર પાટીલે હાથમાં ઝાડુ પકડી શ્રમદાન કર્યું

પ્રશાસન અને સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત સુરત શહેરમાં 26 કિલોમીટર લાંબા રસ્તાઓ અને લગભગ 800 જેટલા સ્થળો પર સઘન સફાઈ કરવામાં આવી હતી. આ અંતર્ગત વોર્ડ નંબર 20ના ઉત્તર ગુજરાત શાળા શક્તિ કેન્દ્ર અને ઉમરાવનગર વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ એ જ વિસ્તાર છે, જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું પોતાનું મતદાન બૂથ આવેલું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પોતે ઉપસ્થિત રહીને હાથમાં ઝાડુ પકડી શ્રમદાન કર્યું હતું, અને નાગરિકોને લોકજાગૃતિનો સંદેશ આપ્યો હતો.

'જાગૃત જનતાને કારણે જ સુરત આજે નંબર વન બન્યું'

આ પ્રસંગે વાત કરતા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે, દેશમાં સુરત શહેર સ્વચ્છતામાં મોખરે છે, અને આ ગૌરવ કોઈ છીનવી ન શકે તે માટે દરેક નાગરિકે જાગૃત થઈને યોગદાન આપવું પડશે. વડાપ્રધાન મોદીએ 2014થી જ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી છે. ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 12,000 કરોડના ખર્ચે શૌચાલયો બનાવી મોટું પરિવર્તન લાવવામાં આવ્યું છે. સુરત મનપાના સફાઈ કામદારો, અધિકારીઓ, ભાજપના કાર્યકરો અને જાગૃત જનતાને કારણે જ સુરત આજે નંબર વન બન્યું છે.

સુરતમાં દિવાળી જેવો માહોલ

ઉમરાવનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 20ના નગરસેવકો રજનીશભાઈ દેસાઈ, રાજેશભાઈ રાણા, પ્રતિભાબેન દેસાઈ, પ્રમુખ આનંદભાઈ ગાંધી, સન્નીભાઈ રાજપૂત, શિવમભાઈ પટેલ, દીપુભાઈ, ભાવિકભાઈ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, મનપાના વરિષ્ઠ અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ શ્રમદાનમાં જોડાયા હતા. વડાપ્રધાન મોદીના આ ઐતિહાસિક પ્રવાસને લઈને સમગ્ર સુરતમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Surat : અમદાવાદની અપહૃત પરિણીતાને પોલીસે ચુંગાલમાંથી મુક્ત કરાવી, પેરોલ જમ્પ કરનાર ગેંગસ્ટર દેવરચંદ ગુર્જર ઝડપાયો


  • Follow us on: