ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC)ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠક સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં કાયદાના મુસદ્દાને આખરી ઓપ આપવા અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.

મુસદ્દાની સમીક્ષા અને મુખ્ય વિષયો

આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલા કાયદાકીય મુસદ્દા (ડ્રાફ્ટ)ની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. UCC અંતર્ગત ખાસ કરીને ચાર મુખ્ય વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં લગ્ન અને તેની નોંધણીની પ્રક્રિયા, છૂટાછેડા માટેના સમાન કાયદા, વારસા હક્ક અને સંપત્તિના અધિકારો અને દત્તક વિધાન (Adoption) પ્રક્રિયામાં સમાનતાનો સમાવેશ થાય છે.

સમાનતા આધારિત માળખું તૈયાર થશે

સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ આ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યમાં UCC ના અમલીકરણથી એક પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે. આ કાયદા દ્વારા દરેક નાગરિકને ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર સમાન ન્યાય અને અધિકાર સુનિશ્ચિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર આ કાયદા દ્વારા સામાજિક સુધારા અને કાયદાકીય સમાનતા લાવવા માટે કટિબદ્ધ છે. સમિતિ હવે ટૂંક સમયમાં પોતાનો આખરી અહેવાલ રાજ્ય સરકારને સોંપે તેવી શક્યતા છે.


આ પણ વાંચો - એક વર્ષમાં 46,915 કરોડનો વધારો, જાણો ગુજરાત પર કેટલા કરોડનું દેવું?