જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો. જેમાં 26 નિર્દોષો મોતને ભેટ્યા. જેનો બદલો લેવા ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરાયુ હતું. જેમાં આતંકીઓના ઠેકાણાને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા. જો કે હા, પાકિસ્તાન માનતુ ન હતું કે તેને કોઇ મોટુ નુકસાન થયુ છે. પરંતુ હવે આતંકવાદીઓ પોતે સ્વીકાર કરી રહ્યા છે કે ઓપરેશનસિંદૂરને કારણે ભારે નુકસાન થયું.
ભારતની સૈન્ય કાર્યવાહીમાં આતંકીનો પરિવાર થયો તબાહ
ઓપરેશન સિંદૂરના ઘણા મહિનાઓ બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કમાન્ડરએ સ્વીકાર કરી લીધુ છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુરમાં થયેલા હુમલામાં ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ટુકડે ટુકડા થઇ ગયા હતા. જૈશ એ મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
મસૂદ અઝહરના પરિવારના ટુકડા ટુકડા થઇ ગયા
આ વીડિયોમાં મસૂદ ઇલિયાસ કાશ્મીરે જણાવ્યું કે ભારતીય સૈન્ય જવાનોએ તેમના ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા. વીડિયોમાં મસૂદ ઇલિયાસ કહેતા સંભળાઇ રહ્યો છે કે પોતાના દેશની સીમાઓની રક્ષા માટે આપણે દિલ્હીમાં લડ્યા, કાબૂલ અને કંધારમાં લડ્યા. બધુ જ ન્યૌછાવર કર્યા બાદ 7 મેના રોજ મૌલાના અઝહરના પરિવારને તબાહ કરી દેવાયો. ભારતીય સૈન્ય દળ દ્વારા બહાવલપુરમાં ટુકડા ટુકડા કરી દીધા.
મસૂદ અઝહરે પોતે સ્વીકાર્યું
લાહોરથી લગભગ 400 કિમી દૂર સ્થિત જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, જેને ઉસ્માન-ઓ-અલી કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક ધરાવે છે. તેને નિશાન બનાવવામાં આવ્યું હતું કારણ કે તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય કેન્દ્ર છે. મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત કરાયો છે. મસૂદ અઝહરે 2000 ના દાયકાની શરૂઆતમાં જૈશ-એ-મોહમ્મદની રચના કરી હતી. આ આતંકવાદી સંગઠને છેલ્લા બે દાયકામાં ભારતમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓ કર્યા છે. ઓપરેશન સિંદૂર પછી,પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો કે મસૂદ અઝહરે એક નિવેદન બહાર પાડીને સ્વીકાર્યું કે ભારતીય કાર્યવાહીમાં તેના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે.