પશ્ચિમ બંગાળમાં ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની સનસનાટીભરી હત્યા બાદ તપાસ એજન્સીઓ એ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ માત્ર અચાનક બનેલી ઘટના નથી, પરંતુ મહિનાઓથી ઘડાયેલું એક "પૂર્વ આયોજિત અને સુનિયોજિત કાવતરું" હતું. ચંદ્રનાથને રસ્તામાંથી હટાવવા માટે રૂ. 40 લાખની મોટી રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની આશંકા છે.
હત્યાનો ઘટનાક્રમ
ચૂંટણી પરિણામોના બે દિવસ બાદ, બુધવારે રાત્રે જ્યારે ચંદ્રનાથ પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જેસોર રોડ પર વરસાદી પાણી ભરાવાને કારણે જ્યારે તેમની કાર ધીમી પડી, ત્યારે પીછો કરી રહેલા બાઇક સવારોએ તક ઝડપી લીધી હતી. CCTV ફૂટેજ મુજબ, રાત્રે 10:08 વાગ્યે હુમલાખોરોએ કારની બારી પાસે જઈને નજીકથી અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. માત્ર 45 સેકન્ડની અંદર કામ તમામ કરીને હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
બિહાર કનેક્શન અને લોકલ સપોર્ટ
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ હત્યા માટે બિહારથી બે રીઢા શાર્પશૂટર્સને ભાડે રાખવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના જ એક સ્થાનિક ગુનેગારે આ શૂટર્સના રહેવા અને મુસાફરીની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસને શંકા છે કે હત્યારાઓએ પહેલેથી જ નકલી ઓળખપત્રો બનાવી રાખ્યા હતા, જેથી તેઓ કોલકાતા એરપોર્ટથી ફ્લાઇટ પકડીને સરળતાથી બીજા રાજ્યમાં ભાગી શકે.
ઇનસાઇડર પર શંકા
SIT અને CID ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યારાઓ છેલ્લા પાંચ દિવસથી ચંદ્રનાથની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. તપાસ એજન્સીઓને દ્રઢ શંકા છે કે ચંદ્રનાથની નજીકની જ કોઈ વ્યક્તિએ તેમની મુસાફરી અને રૂટ વિશેની સચોટ માહિતી હુમલાખોરોને લીક કરી હતી. છેલ્લા પાંચ દિવસના CCTV ફૂટેજમાં હુમલાખોરો બેલઘરિયા એક્સપ્રેસવે અને બારાસત જેવા વિસ્તારોમાં તેમની કારનો પીછો કરતા દેખાયા છે.
પુરાવા અને તપાસની સ્થિતિ
પોલીસને ગુનામાં વપરાયેલી એક મોટરસાઇકલ મળી આવી છે, જે બિધાનગરના એક શોરૂમની બહારથી ચોરાઈ હતી અને તેના એન્જિન નંબર સાથે છેડછાડ કરવામાં આવી હતી. બીજી બાઇકનો નંબર સિલિગુડીની એક મહિલાના નામે છે, પરંતુ તે સરનામું પણ શંકાસ્પદ જણાયું છે. હાલમાં પોલીસ ફોન રેકોર્ડ્સ અને અનેક શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Mexico સિટી પર મંડરાતું જોખમ, દર મહિને 2 સેમી જમીનમાં ડૂબી રહ્યું છે શહેર, NASA-ISRO નો ધડાકો!