વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક અને મેક્સિકોની રાજધાની, મેક્સિકો સિટી, એક ગંભીર ભૌગોલિક સંકટનો સામનો કરી રહ્યું છે. નાસા (NASA) અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના સંયુક્ત મિશન NISAR સેટેલાઇટે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ શહેર ખૂબ જ ઝડપથી જમીનમાં ગરકાવ થઈ રહ્યું છે. ઉપગ્રહની માહિતી મુજબ, શહેરના કેટલાક વિસ્તારો દર મહિને ૨ સેમી જેટલી ચિંતાજનક ઝડપે નીચે જઈ રહ્યા છે.

ઐતિહાસિક વારસો જોખમમાં

જમીન નીચે જવાની (Subsidence) આ પ્રક્રિયાની અસરો શહેરના ઐતિહાસિક સ્થાપત્યો પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. શહેરનું પ્રખ્યાત કેથેડ્રલ અને તેની બાજુમાં આવેલું ચર્ચ વિરોધી દિશાઓમાં નમી રહ્યા છે. ૧૯૧૦માં નિર્મિત 'એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ' સ્મારક તો આ સમસ્યાનું જીવતું જાગતું ઉદાહરણ છે; આસપાસની જમીન બેસી જવાને કારણે સ્મારક સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં ૧૪ નવા પગથિયાં ઉમેરવા પડ્યા છે.

શહેર ડૂબવા પાછળના કારણો

વૈજ્ઞાનિકોના મતે, મેક્સિકો સિટી એક પ્રાચીન તળાવના તળિયે વસેલું છે. અહીંની જમીન અત્યંત નરમ અને ચીકણી માટીની બનેલી છે. શહેરની વસ્તીની પાણીની ૫૦% જરૂરિયાત ભૂગર્ભજળ દ્વારા પૂરી કરવામાં આવે છે. જ્યારે જમીનમાંથી સતત પાણી કાઢવામાં આવે છે અને તેની સામે વરસાદી પાણી જમીનમાં રિચાર્જ થતું નથી, ત્યારે માટીના સ્તરો સંકોચાય છે અને જમીન અંદરની તરફ ધસી જાય છે. નાસાના વૈજ્ઞાનિક મરીન ગોવોર્ચિને ચેતવણી આપી છે કે આ અસંતુલન શહેરને વિનાશ તરફ ધકેલી રહ્યું છે.

માળખાગત સુવિધાઓ પર અસર

જમીન ખસવાને કારણે માત્ર ઇમારતો જ નહીં, પરંતુ શહેરની લાઈફલાઈન સમાન મેટ્રો સિસ્ટમ, રસ્તાઓ અને પાણીની પાઇપલાઇનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જમીનમાં પડતી તિરાડોને કારણે શહેરનો ૪૦% પાણીનો પુરવઠો લીકેજમાં વેડફાઈ જાય છે, જે પહેલેથી જ પાણીની અછતનો સામનો કરી રહેલા શહેર માટે "બળતામાં ઘી" સમાન છે.

આ પણ વાંચોઃ Strait of Hormuz :ઇરાન અને યુએસની નાક નીચેથી UAE હોર્મુઝમાંથી જહાજો નીકાળી ગયા!