મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં કરવામાં આવેલી નાકાબંધી વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક અત્યંત જોખમી અને ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. જ્યારે અમેરિકા અને ઈરાન એકબીજાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા, ત્યારે યુએઈએ પોતાની ચતુરાઈથી ચાર મોટા ઓઈલ ટેન્કરોને હોર્મુઝની સામુદ્રધુની પાર કરાવીને એશિયન દેશો સુધી તેલ પહોંચાડવામાં સફળતા મેળવી છે.

'ટ્રેકર્સ ઓફ'ઈરાની રડારથી બચવાની યુક્તિ

રોઇટર્સના અહેવાલ મુજબ, યુએઈની સરકારી માલિકીની તેલ કંપની ADNOC એ એપ્રિલ મહિનામાં અંદાજે ૬૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરી છે. આ કામગીરીને સફળ બનાવવા માટે યુએઈએ ઈરાન જેવી જ પદ્ધતિ અપનાવી હતી. તેમણે પોતાના ટેન્કરોની ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) એટલે કે લોકેશન ટ્રેકર્સ બંધ કરી દીધા હતા. આના કારણે ઈરાની સેના કે ડ્રોન માટે આ જહાજોને ઓળખવા અને ટ્રેક કરવા મુશ્કેલ બન્યા હતા.

શિપ-ટુ-શિપ ટ્રાન્સફરનો ખેલ

આ ઓપરેશન માત્ર રડારથી બચવા પૂરતું સીમિત નહોતું. હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી, યુએઈના જહાજોએ સમુદ્રની વચ્ચે જ અન્ય જહાજોમાં તેલ ટ્રાન્સફર કર્યું હતું, જેને 'શિપ-ટુ-શિપ ટ્રાન્સફર' કહેવાય છે. ઉદાહરણ તરીકે, 'હાફિટ' નામના જહાજે ૨૦ લાખ બેરલ તેલ મલેશિયા મોકલ્યું, જ્યારે 'અલીયેકમોન-1' નામના ટેન્કરે ઓમાનના સ્ટોરેજ ટર્મિનલ સુધી પુરવઠો પહોંચાડ્યો. આ રીતે, યુએઈએ સીધી નિકાસને બદલે આડકતરી રીતે તેલ પહોંચાડીને હુમલાનું જોખમ ઘટાડ્યું હતું.

આ પ્રક્રિયા અત્યંત જોખમી છતાં પાર પાડ્યું

આ પ્રક્રિયા અત્યંત જોખમી હતી કારણ કે તાજેતરમાં જ ઈરાને યુએઈના ખાલી ટેન્કર 'બરાકાહ' પર ડ્રોન હુમલો કર્યો હતો. જ્યારે ઇરાક, કુવૈત અને કતાર જેવા પાડોશી દેશોએ તેલનું વેચાણ અટકાવી દીધું છે અથવા કિંમતો ઘટાડી છે, ત્યારે યુએઈ એશિયન બજારમાં પોતાનો હિસ્સો જાળવી રાખવા માટે મક્કમ છે. જોકે, યુદ્ધ પહેલાની સરખામણીએ નિકાસમાં પ્રતિદિન ૧૦ લાખ બેરલનો ઘટાડો થયો છે, છતાં ADNOC હવે મે મહિના માટે દક્ષિણ કોરિયા અને મલેશિયા જેવી રિફાઇનરીઓ સાથે નવી વાટાઘાટો કરી રહી છે.

આ પણ વાંચોઃ China: ચીનમાં શી જિનપિંગ અગ્રેસન મૂડમાં, પૂર્વ મંત્રીઓને સંભળાવી દીધી મૃત્યુદંડની સજા, જાણો કેમ?