ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્તા સંભાળ્યા બાદ ભ્રષ્ટાચાર સામે જે ઝુંબેશ શરૂ કરી હતી, તે હવે તેના ચરમસીમા પર પહોંચી છે. ચીનની એક લશ્કરી અદાલતે બે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનો, લી શાંગફુ અને વેઈ ફેંગેને લાંચ લેવા અને ભ્રષ્ટાચાર કરવા બદલ દોષી ઠેરવીને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ નિર્ણયથી ચીની સેના અને રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
લાંચ આપવાનો આરોપ થયો સાબિત
સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, વેઈ ફેંગેને મોટા પાયે લાંચ લેવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. જ્યારે લી શાંગફુ પર લાંચ લેવા ઉપરાંત લાંચ આપવાનો પણ આરોપ સાબિત થયો છે. જોકે, કોર્ટે તેમને બે વર્ષની રાહત આપી છે. આનો અર્થ એ છે કે જો તેઓ આગામી બે વર્ષમાં કોઈ નવો ગુનો નહીં કરે, તો તેમની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલી શકાય છે. ચીની ન્યાયતંત્રમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે, જ્યાં મોટા ભાગે આવી સ્થગિત સજાઓ આજીવન કેદમાં ફેરવાઈ જતી હોય છે.
કોણ છે આ બે મંત્રીઓ?
વેઈ ફેંગે: તેમણે 2018 થી 2023 દરમિયાન ચીનના સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ ચીનની રોકેટ ફોર્સના મહત્વના વડા રહી ચૂક્યા છે.
લી શાંગફુ: વેઈના અનુગામી બનેલા લી શાંગફુ માત્ર થોડા મહિના જ પદ પર રહ્યા હતા. ઓક્ટોબર ૨૦૨૩માં તેઓ અચાનક જાહેર મંચ પરથી ગાયબ થઈ ગયા અને બાદમાં તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. તેઓ રશિયા સાથે લશ્કરી સાધનોની ખરીદીમાં નિષ્ણાત માનવામાં આવતા હતા.
શી જિનપિંગની વ્યૂહરચના
નિષ્ણાતોનું માનવું છે કે આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ નથી, પરંતુ સેના પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખવા માટેનો શી જિનપિંગનો માસ્ટર પ્લાન છે. શી જિનપિંગે છેલ્લા દાયકામાં અનેક ટોચના જનરલો અને અધિકારીઓને જેલમાં મોકલ્યા છે. અત્યારે સ્થિતિ એવી છે કે ચીનના શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમિશનમાં શી જિનપિંગ સિવાય લગભગ કોઈ જૂના સભ્યો બચ્યા નથી. આ કાર્યવાહી દ્વારા તેઓ સંદેશ આપવા માંગે છે કે પક્ષ અને નેતૃત્વ પ્રત્યેની વફાદારીમાં સહેજ પણ ખામી ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ Canada ની હોસ્પિટલમાં કીડીઓનો આતંક, કીડીઓના કારણે 16 ઓપરેશન રખાયા મોકૂફ!