હોસ્પિટલનું ઓપરેશન થિયેટર એ સૌથી સ્વચ્છ અને જંતુમુક્ત જગ્યા માનવામાં આવે છે, પરંતુ કેનેડાના મેનિટોબામાં એક અત્યંત વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંની કાર્મેન મેમોરિયલ હોસ્પિટલમાં કીડીઓના આક્રમણને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નાનકડી કીડીઓએ હોસ્પિટલના ઓપરેશન થિયેટરો અને કોરિડોરમાં કબજો જમાવી લેતા તંત્રએ તાત્કાલિક અસરથી અનેક સર્જરીઓ રદ કરવાની ફરજ પડી છે.
દરવાજા નીચે અને દિવાલોમાં કીડીઓ જોવા મળી
મળતી માહિતી અનુસાર, હોસ્પિટલના અત્યંત સંવેદનશીલ એવા ઓપરેશન થિયેટરના દરવાજા નીચે અને દિવાલોમાં કીડીઓ જોવા મળી હતી. હોસ્પિટલના સત્તાવાળાઓએ દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હર્નિયા અને પિત્તાશય દૂર કરવા જેવી 16 જેટલી મહત્વની સર્જરીઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ઓપરેશન દરમિયાન સહેજ પણ ગંદકી કે જંતુનું જોખમ દર્દીના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.
વારંવાર થતી સમસ્યા
આશ્ચર્યની વાત એ છે કે આ સમસ્યા નવી નથી. અગાઉ ઓગસ્ટ 2024માં પણ કીડીઓ દેખાઈ હતી, જે થોડા સમય પછી ગાયબ થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષે વસંતઋતુની શરૂઆત સાથે જ કીડીઓની વિશાળ વસાહત ફરી સક્રિય થઈ છે. નિષ્ણાતો માને છે કે કીડીઓએ હોસ્પિટલના પાયા અને પ્લમ્બિંગ લાઈનોમાં પોતાનું ઘર બનાવી લીધું છે. સ્ટાફના ડાઇનિંગ એરિયામાં રહેલો ખોરાક અથવા હોસ્પિટલમાં વપરાતું ગ્લુકોઝયુક્ત પ્રવાહી આ કીડીઓને આકર્ષી રહ્યું હોવાની શક્યતા છે.
પરિસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ
કીટવિજ્ઞાનના પ્રોફેસર રોબ હિગિન્સે જણાવ્યું હતું કે આ પ્રકારની કીડીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે તેઓ ઇમારતની સાંકડી જગ્યાઓમાં છુપાયેલી હોય છે. હાલમાં હોસ્પિટલ દ્વારા ગટર સાફ કરવી, દિવાલો ખોલીને તપાસ કરવી અને એડહેસિવ ટ્રેપ (ચીકણા પાંજરા) સ્થાપિત કરવા જેવા પગલાં લેવામાં આવ્યા છે. મેનિટોબાના આરોગ્ય પ્રધાન ઉઝોમા અસગવારાએ ખાતરી આપી છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.
દર્દીઓને અન્ય નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા
હાલમાં તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીઓને અન્ય નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને નવી તારીખો આપવામાં આવી છે. જોકે, હોસ્પિટલની ઇમરજન્સી સેવાઓ હજુ ચાલુ છે, પરંતુ વારંવાર સર્જાતી આ સમસ્યાએ સ્થાનિક રહેવાસીઓ અને દર્દીઓમાં ચિંતા ફેલાવી છે.નવામાં આવે છે કે કીડીઓની એક મોટી વસાહત હોસ્પિટલની આસપાસ રચાઈ ગઈ છે, જે ખોરાકની શોધમાં ઇમારતમાં પ્રવેશ કરે છે.
આ પણ વાંચોઃ Middle East માં મોટો ઉલટફેર,સાઉદી અને કુવૈતે અમેરિકી ફાઈટર જેટ્સ માટે રસ્તો ખોલ્યો!